બીલીમોરા: સરકારી ગૌચરની જમીન ઉપર અનઅધિકૃત દબાણને કારણે પશુઓને (Animals) ચરવા માટે મોટાભાગે હવે કોઈ જગ્યા બચી નથી જેને કારણે આવા પશુઓ રસ્તા શહેર અને ગામડાઓમાં રખડતા જોવા મળે છે અને અકસ્માતો થતા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે.
આવી જ એક ઘટના બીલીમોરામાં બની છે. બીલીમોરા (Bilimora)ની પારસી અગિયારીના દસ્તુર (ધર્મગુરુ)ને નવસારી નજીકના અડદા ગામની સીમમાં રસ્તે રખડતા પશુઓના કારણે થયેલા અકસ્માત (Accident) પછી તેમને પહોંચેલી માથામાં ગંભીર ઈજાઓને કારણે પારસી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેઓ હજી પણ બેભાન અવસ્થામાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીરોજશા ધનજીશા કરન્જિયા (ઉ.વ.46) રહે., બીલીમોરા પારસી અંજુમન બ્લોક, અગિયારી સામે છેલ્લા લાંબા સમયથી અગિયારીમાં મોબેડ (ધર્મગુરુ) તરીકે સેવા બજાવી રહ્યા છે. તેઓ બુધવારે સાંજે પોતાની એક્સેસ મોપેડ જીજે-૨૧-બીએલ-૮૫૧૮ લઈને નવસારીથી બીલીમોરા આવી રહ્યા હતા.
તે સમયે અડદા ગામની સીમમાં રસ્તે રખડતા પશુઓનું ઝૂંડ એકદમ દોડાદોડી કરી ફરી વળતા તેમનું મોપેડ ઉપરથી સંતુલન ગુમાવી દેતા રસ્તા ઉપર પટકાયા હતા. જેને કારણે તેમને ડાબી આંખે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે, ગામના સેવાભાવી લોકોએ તરત જ ત્યાં પહોંચીને 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને નવસારી પારસી હોસ્પિટલ સારવાર અર્થે મોકલ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમના બ્રેઈન હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સરકાર પાસે રસ્તે રખડતા પશુઓને અંકુશમાં લેવા માટે કોઈ ચોક્કસ પ્લાન નથી. ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા આવા બનાવો બને પછી થોડાક એક્શનમાં આવે છે અને કામ ચલાઉ માટે પશુઓને ડબ્બે પુરવાનું તરકટ છે. પણ સમય જતાં સ્થિતિ ફરી તેની તે જ બની જાય છે. રખડતાં પશુઓ આડેધડ રસ્તા ઉપર ડોળાડોળ કરતા હોવાથી અને બેસી રહેવાથી આવા અકસ્માતો હવે સામાન્ય બની ગયા છે, જેનો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે પણ તંત્ર કોઈ ઠોસ પગલાં ભરી નથી રહ્યું.
રખડતાં ઢોર સાથે ટકરાયા બાદ 18 મહિનાની સારવાર છતાં નજીવો સુધારો
18 મહિના પહેલા પણ બીલીમોરાના મરઝબાન ગુસ્તાદજી પંથકીનો નવસારી નજીકના ઇટાળવા પાસે રસ્તે બેઠેલા ઢોરો સાથે તેમની બાઈક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે આજે ૧૮ મહિનાની સારવાર કરાવ્યા પછી પણ તેમની તબિયતમાં નજીવો સુધારો જોવા મળે છે. જોકે તેમનો પરિવાર ૧૮ મહિનાથી લાખો રૂપિયા ખર્ચીને પણ તેમને સંપૂર્ણપણે સ્વસ્થ નથી કરાવી શક્યો, જેની પાછળ આવા રખડતાં પશુઓનો ત્રાસજ જવાબદાર ગણી શકાય છે.