સુરત: બાઇકર્સ તરીકે વિખ્યાત સુરત(Surat)ની 42 વર્ષીય (BIKING QUEENS) દુરૈયા તપીયા દેશનાં વિવિધ રાજ્યોમાં સશક્ત ભારત, સશક્ત નારી તેમજ કોવિડથી સુરક્ષિત રહેવાનો સંદેશો આપવા માટે 26મી જાન્યુઆરીથી જાતે ટ્રક ચલાવી 10 હજારથી વધુ કિ.મી.નો સફર ખેડશે. આગામી 26મી જાન્યુઆરીના રોજ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ફ્લેગ ઓફ કરશે અને રાઇડની શરૂઆત સુરતથી થશે.
બાઈકિંગ કવીન્સ દુરૈયા તાપિયાએ જણાવ્યું હતું કે, તેઓ જાતે 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ (drive truck) કરશે. આ દરમિયાન તે 13 રાજ્યોનાં 4500 ગામડાં અને 10 હજારથી વધુ કિ.મી.ની સફર ખેડશે. તેમની સાથે 4 લોકોની ટીમ કારમાંરહેશે. પરંતુ ડ્રાઈવિંગ તો જાતે બાઈકર દુરૈયા તાપિયા જ કરશે.
આ રાઇડનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો છે. સાથે જ ગામડાંની પ્રજાને કોવિડ-19 મહામારી (covid-19 pandemic) પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાંમાં જઈને લોકોને નિ:શુલ્ક માસ્ક, સેનિટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે.
13 રાજ્યની સફર દરમિયાન દુરૈયા જે-તે રાજ્યોના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. રાઇડનું અંતિમ ડેસ્ટિનેશન કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુરૈયા તપીયાએ મહિલા બાઇકર્સ તરીકે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી છે. તેઓએ ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ પણ કરી છે.
ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું, મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યની સફર ખેડવા માટે દુરૈયા તપીયાએ પ્રોફેશનલ ડ્રાઈવની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ (heavy licence) મેળવ્યું છે. દુરૈયા તપીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું, પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને હવે રાઇડ માટે તૈયાર કરી લીધી છે. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગણપત વસાવાએ પણ દુરૈયા તપીયાની પ્રશંસા કરવા સાથે શુભેચ્છા પાઠવી છે.