National

રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રામાં વપરાયેલી બાઇક ગુમ, માલિક પરેશાન

દરભંગામાં ચાલી રહેલી મતદાર અધિકાર યાત્રા દરમિયાન એક અનોખો બનાવ સામે આવ્યો છે. આ યાત્રામાં રાહુલ ગાંધીના રોડ શો માટે જે બાઇકોનો ઉપયોગ થયો હતો. તેમાંની એક બાઇક આજ સુધી મળી નથી. ગુમ થયેલી બાઇકના માલિક શુભમ સૌરભ છેલ્લા ઘણા દિવસોથી ચક્કર મારી રહ્યા છે પરંતુ તેમને હજી સુધી પોતાની બાઇક મળી નથી.

શુભમ સૌરભ દરભંગા-મુઝફ્ફરપુર હાઈવે પર આવેલી “મા દુર્ગા લાઇન હોટેલ”ના માલિક છે. તેમણે જણાવ્યું કે રોડ શો વખતે રાહુલ ગાંધીની સુરક્ષા ટીમે તેમની પલ્સર બાઇક લઇ ગઈ હતી. માત્ર તેમની જ નહીં પરંતુ આસપાસના લોકો પાસેથી પણ કુલ સાત બાઇકો ઉધાર લેવાઈ હતી જેથી રોડ શો દરમિયાન ઉપયોગ કરી શકાય.

ઉપરના ફોટામાં શુભમ સૌરભ પોતાની બાઇક બતાવી રહ્યો છે.

રોડ શો પૂર્ણ થયા બાદ મોટાભાગની બાઇકો માલિકોને પાછી મળી ગઇ હતી. પરંતુ શુભમની બાઇક પરત ન આવી. તેમણે પોતાની બાઇક માટે મુઝફ્ફરપુર, સીતામઢી અને મોતીહારી સુધી શોધખોળ કરી છતાં સફળતા મળી નથી. આ દરમ્યાન તેમને જાણ થઈ કે ઘણી બાઇકો રસ્તા કિનારે બંધ હાલતમાં મળી આવી હતી. કેટલાક માલિકો પોતાની બાઇક પોલીસ અને સુરક્ષા ગાર્ડની મદદથી પાછી મેળવી શક્યા પણ શુભમની બાઇક હજુ ગુમ છે.

ઘટનામાં ફક્ત પલ્સર જ નહીં પણ બે બુલેટ બાઇકો પણ યાત્રા દરમ્યાન વપરાઈ હતી. બાદમાં બુલેટ માલિકોને તેમની બાઇક લોક કરેલી હાલતમાં મુઝફ્ફરપુરમાં મળી ગઈ હતી. આ કારણે બુલેટ માલિકો તો નિશ્વિંત થયા પરંતુ પલ્સર બાઇક ગુમ થતાં શુભમની ચિંતા વધી છે.

શુભમ સૌરભનો દાવો છે કે બાઇક તેમના સસરા અનિલ કુમારના નામે છે અને ગુમ થવાને કારણે તેઓના વ્યવસાય પર પણ અસર પડી રહી છે. શરૂઆતમાં તેમણે મૌખિક રીતે પોલીસને જાણ કરી હતી. હવે તેઓ લખિત ફરિયાદ કરવાની તૈયારીમાં છે.

કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓને પણ તેમણે સંપર્ક કર્યો છે પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો. સુરક્ષા ગાર્ડ તરફથી તેમને ખાતરી અપાઈ છે કે તા.1 સપ્ટેમ્બર સુધીમાં બાઇક પરત મળશે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

આ બનાવને કારણે વિસ્તારના લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો કહે છે કે “મત ચોરીનો નારો આપનાર રાહુલ ગાંધી હવે બાઇક ચોરીના મામલે ચર્ચામાં આવી ગયા છે.” આ ઘટનાએ યાત્રાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા કર્યા છે.
હાલમાં બાઇક માલિક ખૂબ જ ચિંતામાં છે અને પોલીસ પ્રશાસન પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.

Most Popular

To Top