National

બિહાર ચૂંટણી: નેતાજી ભેંસ પર સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા, વીડિયો વાયરલ થયો

બિહારમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વૈશાલી જિલ્લામાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યો. જ્યાં અહીંના ભૂતપૂર્વ ધારાસભ્ય કેદાર પ્રસાદ યાદવ કાર કે બાઇક નહીં પણ ભેંસ પર સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા. કાળા ચશ્મા પહેરીને, ખભા પર લાકડી લટકાવીને અને પાછળ મહિલાઓ ગીતો ગાતી જોવા મળી. જે દ્રશ્યે સમગ્ર ગામનું ધ્યાન ખેંચી લીધું. જોકે ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજ રોજ તા.6 નવેમ્બરે 121 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમ્યાન ઘણા રસપ્રદ દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ વૈશાલી જિલ્લાના ભગવાનપુર બ્લોકના સૈદપુર ડુમરી પંચાયતના બૂથ નંબર 323 પરનું દ્રશ્ય સૌનું ધ્યાન ખેંચી ગયું.

કેદાર યાદવે જણાવ્યું કે ચૂંટણીના દિવસે આ વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ હતો. “હવે બધા વાહનો પર પ્રતિબંધ છે તેથી હું મારી ભેંસ પર જ મતદાન કરવા આવ્યો છું” તેમણે વધુમાં કહ્યું કે તેમનું મતદાન મથક આશરે બે કિલોમીટર દૂર છે એટલે ભેંસ પર જ સવારી કરવાનો નિર્ણય લીધો.

વિડિયો વાયરલ અને ચર્ચાનો વિષય બન્યો

ભેંસ પર સવાર થઈને મતદાન કરવા આવેલા કેદાર યાદવનો વીડિયો ગ્રામજનો દ્વારા મોબાઇલમાં કેદ કરવામાં આવ્યો. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ તેમની આ અનોખી સ્ટાઈલની પ્રશંસા કરી અને તેને “દેશી અંદાજનું મતદાન” ગણાવ્યું.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે કેદાર યાદવ તેમની સરળ જીવનશૈલી અને લોકપ્રિય સ્વભાવ માટે જાણીતા છે. તેઓ ઘણીવાર ગામડાઓમાં પગપાળા કે સ્થાનિક વાહન દ્વારા પ્રવાસ કરતા રહે છે.

વહીવટીતંત્રે પણ જણાવ્યું કે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને કેદાર યાદવનું આ પગલું કોઈપણ નિયમના ઉલ્લંઘન તરીકે ગણાતું નથી.

કેદાર યાદવનો આ અનોખો અંદાજ માત્ર મતદાન મથક સુધી મર્યાદિત રહ્યો નહીં પણ આખા બિહારમાં ચર્ચાનો વિષય બની ગયો.

Most Popular

To Top