ભોજપુરી સિનેમાના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આ વખતે આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ને સમર્થન આપશે અને તેજસ્વી યાદવ માટે પ્રચાર કરશે. ખેસારીએ વધુમાં કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમની પત્ની આ ચૂંટણી લડે પરંતુ હાલમાં તેઓ તૈયાર નથી.
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે ઘણા ભોજપુરી કલાકારો રાજકીય મેદાનમાં ઉતરી રહ્યા છે. ત્યારે ખેસારી લાલ યાદવે પણ પોતાના રાજકીય ઇરાદા સ્પષ્ટ કર્યા છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન ખેસારીએ કહ્યું કે “હું ઈચ્છું છું મારી પત્ની ચૂંટણી લડે. છેલ્લા ચાર દિવસથી હું તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તે સંમત થશે તો અમે ઉમેદવારી નોંધાવીશું. નહીં તો હું ફક્ત આરજેડી માટે પ્રચાર કરીશ અને ભૈયા તેજસ્વી યાદવની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશ.”
ખેસારીએ વધુમાં કહ્યું કે તેમનો તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ બંને સાથે ગાઢ કૌટુંબિક સંબંધ છે. બંને તરફથી તેમને ચૂંટણી લડવા માટે દબાણ છે. “જો મારી પત્ની તૈયાર થશે. તો હું જરૂર રાજકીય મેદાનમાં ઉતરીશ”
ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણીમાં ભોજપુરી ઉદ્યોગના ઘણા કલાકારોની એન્ટ્રી થઈ ચૂકી છે. ગાયક પવન સિંહ અને મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ચર્ચા છે કે મૈથિલી દરભંગાની અલીનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જ્યારે પવન સિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. એ જ રીતે ગાયક રિતેશ પાંડે જનસૂર્જા બેઠક પરથી મેદાનમાં છે.
ખેસારી લાલ યાદવના આ નિવેદન બાદ બિહારની રાજકીય હલચલમાં નવી ઉથલપાથલ જોવા મળી રહી છે. ચાહકો અને રાજકીય નિરીક્ષકો હવે રાહ જોઈ રહ્યા છે કે તેમની પત્ની ચૂંટણી લડવાનું સ્વીકારશે કે નહીં. કારણ કે જો એવું થાય તો બિહારની રાજકીય લડાઈમાં એક નવો અધ્યાય ઉમેરાશે.