19 ફેબ્રુઆરી, ગુરુવાર એટલે કે આજે શ્રીલંકા ICC મેન્સ T20 વર્લ્ડ કપની 38મી મેચમાં ઝિમ્બાબ્વે સામે ટકરાયું હતું. બંને ટીમો વચ્ચે ગ્રુપ B ની આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઝિમ્બાબ્વેએ 6 વિકેટથી જીત મેળવી, T20 વર્લ્ડ કપનો બીજો મોટો અપસેટ સર્જ્યો છે. ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવ્યું હતું, જેનાથી આ તેમના માટે એક મહત્વપૂર્ણ વિજય અને અપસેટ બન્યો છે. કોલંબોમાં રમાયેલી 38મી મેચમાં, શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેએ 19.30ઓવરમાં 182 રન બનાવીને મેચ જીતી લીધી. આ મેચમાં, ઝિમ્બાબ્વેને જીતવા માટે 179 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે ત્રણ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે અણનમ 63 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સિકંદર રઝાએ 45 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેએ વર્તમાન ટુર્નામેન્ટમાં તેની ચારેય મેચ જીતી લીધી છે. તેઓ હવે સુપર 8માં ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે.ગયા વર્ષે ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને બે વાર ટી20 મેચમાં હરાવ્યું હતું. 2024માં પણ એક વાર તેમને હરાવ્યું હતું. શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 12 ટી20 મેચ રમાઈ છે. આ મેચો દરમિયાન શ્રીલંકાએ આઠ જીત મેળવી છે, જ્યારે ઝિમ્બાબ્વેએ ચાર જીત મેળવી છે. ઝિમ્બાબ્વેની આ જ ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સનસનાટી મચાવી હતી. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જોકે, આ હારનો શ્રીલંકાને ખાસ કોઈ અસર થઈ નથી, કારણ કે તેઓ પહેલાથી જ સુપર 8 માટે ક્વોલિફાઈ થઈ ગયા હતા.