Gujarat

ગુજરાતમાં UCC અમલીકરણ તરફ મોટું પગલું, કમિટીએ મુખ્યમંત્રીને સોંપ્યો અંતિમ અહેવાલ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટીએ પોતાનો અંતિમ અહેવાલ મુખ્યમંત્રીને તેમના નિવાસસ્થાને સોંપ્યો છે. હવે આ મુદ્દે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થશે, જ્યારે વિધાનસભાના બજેટ સત્રના અંતમાં UCC સંબંધિત વિધેયક રજૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આગામી ચાર મહિનામાં UCC અમલમાં આવે તે માટે તૈયારીમાં લાગી ગઈ છે. પૂર્વ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનેલી 5 સભ્યોની કમિટીએ વિવિધ સામાજિક, ધાર્મિક અને કાનૂની પાસાઓનો અભ્યાસ કરી અંતિમ ભલામણો તૈયાર કરી છે. આ કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ રચાઈ હતી અને તેને નિર્ધારિત સમયમર્યાદામાં અહેવાલ આપવા સૂચના આપવામાં આવી હતી.

દિલ્હીમાં તાજેતરમાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યમાં UCC અંગેની ચર્ચાઓ વધુ તેજ બની છે. સૂત્રો મુજબ, કેન્દ્રના નેતાઓ સાથેની ચર્ચાઓમાં પણ રાજ્યમાં UCC અમલ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારણા થઈ હતી. અહેવાલ મળ્યા બાદ સરકાર માર્ચના છેલ્લા સપ્તાહમાં વિધાનસભામાં પ્રસ્તાવ કે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જો આ કાયદો અમલમાં આવશે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હકો જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે. કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મો, સમાજના અગ્રણીઓ, કાનૂની નિષ્ણાતો અને સામાન્ય નાગરિકોના અભિપ્રાયો મેળવી વ્યાપક અભ્યાસ કર્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એ એવો પ્રસ્તાવ છે, જેમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે વ્યક્તિગત કાયદાઓને બદલે એકસરખો નાગરિક કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સમાનતા અને એકરૂપતા લાવવાનો છે, જેથી તમામ નાગરિકો માટે કાયદો એકસરખો રહે.

Most Popular

To Top