ઇરાકમાં ક્રેશ થયું અમેરિકી સૈન્યનું વિમાન
ઇરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી સૈન્યને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાનું એક રિફ્યુઅલિંગ વિમાન ઇરાકના પશ્ચિમ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું સૈન્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે. વિમાનમાં ઓછામાં ઓછા પાંચ ક્રૂ સભ્યો સવાર હતા અને હાલ બચાવ કામગીરી ચાલુ છે

અમેરિકી સૈન્ય અનુસાર આ ઘટના “ઓપરેશન એપિક ફ્યુરી” દરમિયાન બની હતી. આ ઓપરેશન ઇરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી સાથે જોડાયેલ છે. ઘટનાની માહિતી આપતા US Central Commandએ જણાવ્યું કે ઘટનામાં બે વિમાનો સામેલ હતા. જેમાંથી એક સુરક્ષિત રીતે લેન્ડ થયું જ્યારે બીજું વિમાન ઇરાકના પશ્ચિમ વિસ્તારમાં પડી ગયું
ક્રેશ થયેલું વિમાન Boeing KC-135 Stratotanker હતું, જે અમેરિકી વાયુસેનાનું મહત્વપૂર્ણ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ માનવામાં આવે છે. આ વિમાન હવામાં જ ફાઇટર જેટ અને અન્ય સૈન્ય વિમાનોને ઇંધણ પુરું પાડવાનું કામ કરે છે, જેના કારણે લાંબા સમય સુધી મિશન ચાલુ રાખવું શક્ય બને છે
એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે સામાન્ય રીતે આ પ્રકારના ટેન્કર વિમાનમાં ત્રણ સભ્યોની ટીમ હોય છે, પરંતુ આ ફ્લાઇટમાં ઓછામાં ઓછા પાંચ લોકો સવાર હતા. વધારાના સભ્યો કઈ કામગીરી માટે હતા તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી
બીજી તરફ, ઇરાન સમર્થિત સંગઠન Islamic Resistance in Iraqએ દાવો કર્યો છે કે તેમણે આ અમેરિકી વિમાનને તોડી પાડ્યું છે. સંગઠને કહ્યું કે આ પગલું “દેશની સવર્ણતા અને હવાઈ ક્ષેત્રની રક્ષા” માટે લેવામાં આવ્યું છે. જોકે અમેરિકી અધિકારીઓને હાલ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે વિમાન દુશ્મનના હુમલા કારણે પડ્યું હતું
આ ઘટનાએ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને વધુ ગંભીર બનાવ્યો છે. રિપોર્ટ મુજબ, ઇરાન સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અત્યાર સુધી અમેરિકાના સાત સૈનિકોના મોત થયા છે અને લગભગ 140 જેટલા સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકી સૈન્યએ જણાવ્યું છે કે બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને ક્રૂ સભ્યોની સ્થિતિ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે