અમદાવાદમાં સામે આવેલા નકલી ચલણી નોટ કૌભાંડમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં આરોપી તરીકે સામે આવેલા Pradeep Jotgiyaને લઈને મામલો હાઈ-પ્રોફાઈલ બની ગયો છે. પોલીસે તેમને સહિત કુલ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 30 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ તપાસને વધુ ગતિ આપી છે. ક્રાઇમ બ્રાન્ચે 19 માર્ચે અમરાઈવાડી વિસ્તારમાંથી એક કારમાંથી આશરે 2 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં જ સ્પષ્ટ થયું હતું કે આ કૌભાંડ પાછળ સુવ્યવસ્થિત ગેંગ કાર્યરત છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે Pradeep Jotgiya જાન્યુઆરીમાં China ગયો હતો. તેણે ગ્વાંગઝોઉ અને કિંગદાઓ જેવા શહેરોમાં પાંચ દિવસ સુધી કરન્સી પેપર સપ્લાયર્સ સાથે મુલાકાત કરી હતી. આ જ સ્થળોથી નકલી નોટ બનાવવા માટે જરૂરી સિક્યુરિટી પેપર સપ્લાય થતું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેપર ‘સ્ટેશનરી’ તરીકે મંગાવવામાં આવતું હતું, જેથી શંકા ન ઊભી થાય. એક બોક્સનો ખર્ચ અંદાજે 1.5 લાખ રૂપિયા હતો અને અત્યાર સુધીમાં આવા ઓછામાં ઓછા ત્રણ પાર્સલ આવી ચૂક્યા છે. પોલીસે હવે કસ્ટમ વિભાગ સાથે મળીને આ તમામ પાર્સલની વિગતવાર તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલી નોટોની તપાસમાં 10થી વધુ સેફ્ટી ફિચર્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેનાથી નોટો અસલી જેવી દેખાતી હતી. આ ઉપરાંત, આ કૌભાંડમાં સરકારી વિભાગના નામના દુરુપયોગની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.