SURAT

સુરત ડિંડોલી ડબલ સુસાઇડ કેસમાં મોટો ખુલાસો: તાજેતરમાં થયા હતા બંનેના બ્રેકઅપ, પોલીસને મળી ચેટ

સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલા બે કોલેજીયન વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ ચેટ્સની તપાસ દરમિયાન ખુલ્યું છે કે બંને યુવતીઓ પોતાના પ્રેમીઓ સાથે સંબંધમાં હતી. આશ્ચર્યજનક રીતે, બંનેના બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં થયા હતા. પ્રેમસંબંધ તૂટતા અને માનસિક રીતે આઘાત લાગતા બંને સખીઓએ સાથે મળીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. આત્માહત્યાની પાછળ શું કારણ હશે એ અંગે વધુ તપાસ કરાતા પોલીસને બંને યુવતીઓના મોબાઈલ ફોનમાં કેટલીક મહત્વની ચેટ્સ મળી આવી છે. આ ચેટ્સમાં તેમના પ્રેમસંબંધ તૂટવાના સંકેતો મળ્યા છે. ઉપરાંત પોલીસે તેમની મિત્રમંડળી અને નજીકના લોકોની પૂછપરછ કરી અનેક નિવેદનો પણ નોંધ્યા છે. આ તમામ માહિતીના આધારે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનાની પાછળ અન્ય કોઈ દબાણ કે પરિસ્થિતિ જવાબદાર હતી કે નહીં.

નોંધનીય છે કે 6 માર્ચ 2026ના રોજ સુરતના ડિંડોલીમાં રહેતી બે બી.કોમ વિદ્યાર્થિનીઓના મૃતદેહ સણિયા કણદે વિસ્તારમાં આવેલા નવા બનેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળેથી પોલીસને ઇન્જેક્શન તેમ જ એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. ત્યારબાદ કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઓવરડોઝના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને મોબાઈલ ડેટા, ચેટ્સ તેમ જ મિત્રોના નિવેદનોના આધારે કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની નોંધ એલન મસ્કે પણ લેતા આ કિસ્સો હવે બધે ચર્ચાવા લાગ્યો છે અને ખાસ કરીને બંને યુવતીઓએ એઆઈનો દુરુપયોગ કરી આ હિચકારી પગલું ભર્યું હોવાથી લોકો પણ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુવાનોના આવા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top