દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. ડીએનએ પરીક્ષણમાં પુષ્ટિ થઈ છે કે કારમાંથી મળેલા અવશેષો આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદના જ છે. ડૉ. ઉમર નબી વિસ્ફોટ સમયે કાર ચલાવી રહ્યો હતો અને તે જ સમયે થયેલા વિસ્ફોટમાં તેનું મોત થયું હતું.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓ માટે રહસ્ય બનેલા આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદના મૃત્યુ અંગે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે. ડીએનએ પરીક્ષણમાં ઉમર મોહમ્મદના અવશેષો તેની માતાના નમૂનાઓ સાથે 100% મેળ ખાતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિણામોએ પુષ્ટિ કરી છે કે ઉમર વિસ્ફોટ સમયે i20 કારમાં જ હાજર હતો અને વિસ્ફોટમાં તેના શરીર ટુકડા થઈ ગયા હતા.
તપાસ અનુસાર ઉમરે વિસ્ફોટના 11 દિવસ પહેલાં જ સફેદ i20 કાર ખરીદી હતી. લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ કારમાંથી બળેલા માંસના ટુકડા અને શરીરના ભાગો મળ્યા હતા. આ અવશેષો એટલા વિકૃત હતા કે ઓળખ શક્ય નહોતી.
ત્યારબાદ એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે રહેનારી ઉમરની માતાનો ડીએનએ નમૂનો લીધો અને તેને દિલ્હીમાં મોકલી પરીક્ષણ કર્યું. નમૂનાઓ 100% મેળ ખાતા જણાયા.
ડીએનએ પરીક્ષણ કેવી રીતે થયું?
બ્લાસ્ટ બાદ કારમાંથી મળેલા બળેલા હાડકાં, દાંત અને માંસના ટુકડા એકત્રિત કરાયા. આમાંથી ડીએનએ નમૂનાઓ લેવામાં આવ્યા. ગરમી (1000°Cથી વધુ) હોવાને કારણે ડીએનએ સામાન્ય રીતે નષ્ટ થઈ જાય છે પરંતુ હાડકાના તત્વોમાંથી થોડી માહિતી મળી શકે છે. આ નમૂનાઓની પ્રયોગશાળામાં રસાયણિક પ્રક્રિયા બાદ તુલના કરવામાં આવી અને પ્રોફાઇલ 100% મેચ થઈ.
દિલ્હી બ્લાસ્ટમાં અત્યાર સુધી 12 લોકોના મૃત્યુ થયાં છે. તેમાંમાંથી 10 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. હવે ડૉ. ઉમરની ઓળખ સાથે તપાસનો એક મોટો ભાગ સ્પષ્ટ થયો છે, જોકે હજી પણ બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ ચાલુ છે.
આ ખુલાસા સાથે તપાસ એજન્સીઓએ સૌથી મહત્વપૂર્ણ કડી હાથે લીધી છે. આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદનું મોત થયાની પુષ્ટિ બાદ હવે એજન્સીઓ તેના નેટવર્ક અને સહયોગીઓને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.