National

દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો: લાલ કિલ્લા પાસેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળી આવ્યા

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે. ઘટના સ્થળેથી 9mm-કેલિબરના ત્રણ કારતૂસ મળ્યાં છે. જ્યારે તપાસ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલો એક નવો ખુલાસો પણ કર્યો છે.

દિલ્હીમાં ગત તા. 10 નવેમ્બરે લાલ કિલ્લાની સામે થયેલા કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશમાં ખરભળાટ મચાવી દીધો હતો. આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

હવે તપાસ દરમિયાન એક મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સ્થળેથી ત્રણ 9mm-કેલિબર કારતૂસ મળી આવ્યા છે. જેમાં બે જીવંત કારતૂસ અને એક ખાલી શેલનો સમાવેશ થાય છે.

મહત્વની બાબત એ છે કે સામાન્ય નાગરિકો પાસે 9mm પિસ્તોલ હોઈ શકતી નથી. આ પ્રકારના કારતૂસ સામાન્ય રીતે પોલીસ અથવા સશસ્ત્ર દળો દ્વારા જ વપરાય છે. પોલીસને ઘટનાસ્થળે કોઈ પિસ્તોલ કે હથિયારનો ભાગ મળ્યો નથી. એટલે કે કારતૂસ મળી ગયા પરંતુ ફાયરિંગ માટે વપરાયેલ હથિયાર હજી સુધી ગુમ છે.

સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસએ પોતાના સ્ટાફના કારતૂસની પણ તપાસ કરી પણ કોઈ કારતૂસ ગુમ મળ્યા નથી. હવે તપાસ ટીમ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કારતૂસ ત્યાં કેવી રીતે પહોંચ્યા અને તે i20 કારમાંથી વિસ્ફોટ બાદ બહાર પડ્યા હતા કે નહીં.

અલ ફલાહ યુનિવર્સિટીમાંથી શું મળ્યું?
તપાસ દરમિયાન એક વધુ મોટી માહિતી બહાર આવી છે. વિસ્ફોટમાં વપરાયેલી i20 કાર ઓક્ટોબરની 30મી તારીખ સુધી અલ ફલાહ યુનિવર્સિટીની અંદર જોવા મળી હતી. તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા સીસીટીવી ફૂટેજમાં 29 ઓક્ટોબરે આ કાર યુનિવર્સિટીમાં પ્રવેશતી જોવા મળી હતી અને ત્યારબાદ 30 ઓક્ટોબર બપોરે 2:41 વાગ્યે ઓમર ચલાવતો i20 કાર યુનિવર્સિટીમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

આ લીડથી સ્પષ્ટ થાય છે કે વિસ્ફોટમાં વપરાયેલી કાર યુનિવર્સિટી કેમ્પસમાં ઘણા કલાકો સુધી રહી હતી. જે તપાસને નવા દિશામાં લઈ જઈ શકે છે.

પોલીસ અને તપાસ એજન્સીઓ હવે તમામ પુરાવાઓના આધારે વિસ્ફોટની સંપૂર્ણ સાડયંત્રની કડી જોડવાનો પ્રયત્ન કરી રહી છે.

Most Popular

To Top