દેશભરમાં સ્કૂલ, કોર્ટ અને અન્ય સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઇલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી સૌરભ બિશ્વાસને ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે અને તેને પશ્ચિમ બંગાળમાંથી ઝડપવામાં આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ આરોપી ઈમેઇલ આઈડી હેક કરવામાં નિષ્ણાત હતો. તે રિકવરી ઈમેઇલ અને પાસવર્ડ બદલીને ઈમેઇલ આઈડી પર કબજો જમાવતો અને ત્યારબાદ આ હેક કરેલી આઈડીનો ઉપયોગ કરીને બોમ્બ ધમકીના મેઇલ મોકલવામાં આવતા હતા.
જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ શરદ સિંઘલે જણાવ્યું કે તપાસ દરમિયાન બે પ્રકારના ઈમેઇલ સામે આવ્યા હતા. કેટલાક ઈમેઇલમાં બોમ્બ ધમકી આપવામાં આવતી હતી, જ્યારે કેટલાક ઈમેઇલમાં ખાલિસ્તાન સંબંધિત સંદેશાઓ મોકલવામાં આવતા હતા. ખાલિસ્તાન સંબંધિત ઈમેઇલના આધારે તપાસ આગળ વધતા પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ક્લૂ મળ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી હેક કરેલી ઈમેઇલ આઈડીનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી મારફતે નાણાંની લેવડદેવડ કરતો હતો. ચેટમાં ક્યારે વિસ્ફોટ થશે તે અંગે ચર્ચાઓ પણ કરવામાં આવતી હતી. અમદાવાદમાં 5 જાન્યુઆરી, 27 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી સહિત અનેક તારીખે બોમ્બ ધમકીના ઈમેઇલ મળ્યા હતા.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના ઓછામાં ઓછા 6 રાજ્યોમાં આવા ધમકીભર્યા ઈમેઇલ મોકલાયા હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે. આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે VPN, પ્રોક્સી સર્વર અને અલગ અલગ IP એડ્રેસનો ઉપયોગ કરતા હતા. પોલીસ મુજબ આરોપી સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ તપાસ દરમિયાન થયેલી એક નાની ભૂલના આધારે મહત્વપૂર્ણ સૂત્ર મળ્યું હતું અને આખરે આરોપીને ટ્રેસ કરવામાં સફળતા મળી. આ કેસમાં દેશના અનેક રાજ્યોની પોલીસ અને તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી, છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપી 2021 દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન ભારતમાં આવ્યો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. અત્યાર સુધીમાં તેણે 250થી વધુ ઈમેઇલ આઈડી હેક કરીને અન્ય લોકોને આપ્યાનો ખુલાસો થયો છે. શરૂઆતમાં દરેક ઈમેઇલ આઈડી માટે તેને લગભગ 50 અમેરિકન ડોલર મળતા હતા. આ કેસમાં આરોપીની બહેનની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી સુધી પહોંચવા માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓએ આરોપી સાથે વોટ્સએપ પર વાતચીત કરી અને લગભગ 100 અમેરિકન ડોલર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને તેને ઝડપવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી માત્ર 12 પાસ હોવા છતાં સાયબર ટેક્નોલોજીમાં કુશળ હતો અને ટેલિગ્રામ સહિતના વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતો હતો. હાલ કેસ સંવેદનશીલ હોવાથી મુખ્ય સૂત્રધાર અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે.