બિહાર સરકારે કેબિનેટમાં મોટા ફેરફારો સાથે મંત્રાલયોની નવી ફાળવણી જાહેર કરી છે. પહેલી વાર ગૃહ મંત્રાલય ભાજપને મળ્યું છે અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગ સોંપીને મોટા રાજકીય સંકેતો પણ આપ્યા છે. વિવિધ મંત્રીઓને નવા વિભાગો આપવામાં આવ્યા છે. જેમાં કેટલીક મહત્વની જવાબદારીઓનો હવાલો પણ બદલાયો છે.
બિહાર કેબિનેટમાં ઐતિહાસિક ફેરફાર
બિહાર સરકારે આજે તા. 21 નવેમ્બર શુક્રવારે મંત્રાલયોની નવી યાદી જાહેર કરી છે. જેમાં સૌથી મોટો ફેરફાર ગૃહ વિભાગ BJPને સોંપવાનો છે. પહેલી વાર એવું બન્યું છે કે ગૃહ મંત્રાલય જેડીયુ પાસે નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પાસે છે. તેમણે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે.
નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાને જમીન, મહેસૂલ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગની જવાબદારી આપવામાં આવી છે. ભાજપના નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિલીપ જયસ્વાલને ઉદ્યોગ મંત્રાલયનો ચાર્જ મળ્યો છે.

JDU ક્વોટામાં મુખ્ય વિભાગોનો હવાલો
જેડીયુ ક્વોટાના મંત્રી બિજેન્દ્ર યાદવને નાણાં અને વાણિજ્ય જેવા પ્રીમિયમ વિભાગો સોંપવામાં આવ્યા છે. આ અગાઉ ભાજપ પાસે હતા. તેથી આ નિર્ણય રાજકીય રીતે ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમની પાસે ઉર્જા વિભાગ પણ રહેશે.
સુનિલ કુમાર ફરીથી શિક્ષણ વિભાગના મંત્રી રહેશે જ્યારે લેશી સિંહને ફૂડ અને ગ્રાહક સુરક્ષા વિભાગનો ચાર્જ મળ્યો છે.
જળ સંસાધન અને મકાન બાંધકામ વિભાગ વિજય ચૌધરીને સોંપવામાં આવ્યો છે.
આરોગ્ય, કાયદા અને અન્ય મહત્વના વિભાગોની ફાળવણી
મંગલ પાંડે ફરી એકવાર આરોગ્ય વિભાગ સંભાળશે અને સાથે તેમને કાયદા વિભાગ પણ આપવામાં આવ્યો છે. નીતિન નવીનને માર્ગ બાંધકામ તેમજ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ મળ્યો છે. રામકૃપાલ યાદવને કૃષિ, અને સંજય ટાઇગરને શ્રમ સંસાધન વિભાગ સોંપાયો છે.
શ્રેયસી સિંહને મળ્યો IT અને રમતગમત વિભાગ
વિશ્વ વિખ્યાત શૂટર શ્રેયસી સિંહને બે મહત્વના વિભાગો માહિતી ટેકનોલોજી અને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યા છે. તેમની નિમણૂક યુવાનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું પગલું માનવામાં આવે છે.
લઘુમતી, પછાત વર્ગો અને ગ્રામ વિકાસના હવાલા
HAM ના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ સુમનને નાના જળ સંસાધન વિભાગ મળ્યો છે
જ્યારે જામા ખાનને લઘુમતી બાબતોનું મંત્રાલય આપવામાં આવ્યું છે.
દીપક પ્રકાશ (ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર)ને પંચાયતી રાજ વિભાગ સોંપાયો છે.
રામ નિષાદને પછાત અને અતિ પછાત વર્ગ કલ્યાણ વિભાગ મળ્યો છે.
તમામ મંત્રીઓ અને તેમના વિભાગોની સૂચિ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. રાજકીય રીતે આ ફેરફાર NDA સરકાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આગલા સમયમાં બિહારના પ્રશાસનમાં મોટી અસર જોવા મળશે.