બોલિવુડના જાણીતા હાસ્ય કલાકાર Rajpal Yadavને જૂના ચેક બાઉન્સ કેસમાં Delhi High Court તરફથી મોટી રાહત મળી છે. અભિનેતા કોર્ટ સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમના વકીલે નિયમિત જામીનની માંગણી કરી હતી, કારણ કે તેમના વચગાળાના જામીનનો સમય પૂરો થવાનો હતો. સુનાવણી દરમિયાન કોર્ટએ નોંધ્યું કે અભિનેતા દ્વારા નોંધપાત્ર રકમ પહેલાથી જ ચૂકવવામાં આવી છે, જેના આધારે તેમને તાત્કાલિક જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો નથી.
મામલાની વિગત મુજબ, Rajpal Yadavએ મુરલીધર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને અંદાજે 4.25 કરોડ ચૂકવી દીધા છે, સાથે જ વધુ 25 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટએ આ ચુકવણીને ધ્યાનમાં રાખીને રાહત આપતા જણાવ્યું કે જો બાકી રકમ પૂર્ણરૂપે ચૂકવવામાં આવશે તો કેસ સમાપ્ત થવાની સંભાવના પણ છે. સુનાવણી દરમિયાન અભિનેતાએ કોર્ટને જણાવ્યું કે તેમણે ફિલ્મ બનાવવા માટે લોન લીધી હતી. તેમણે પહેલેથી જ લગભગ 2 કરોડ ચૂકવી દીધા હતા, પરંતુ બાકી રકમ અંગેના વિવાદને કારણે કેસ લાંબો ખેંચાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે તેમની ફિલ્મ અતા પતા લાપતા પર કુલ 22 કરોડ ખર્ચ થયો હતો, જેમાંથી તેમને આશરે 17 કરોડનું નુકસાન થયું હતું.
આ સમગ્ર કેસની શરૂઆત 2010માં થઈ હતી, જ્યારે ફિલ્મ નિર્માણ માટે આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા હતા. બાદમાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેતાને 6 મહિનાની સજા ફટકારી હતી, જેને સેશન્સ કોર્ટે પણ યથાવત રાખી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા દ્વારા કરવામાં આવેલી ચૂકવણીને ધ્યાનમાં રાખીને કોર્ટ તરફથી રાહત મળી રહી છે. તાજેતરની સુનાવણી અભિનેતા માટે મહત્વપૂર્ણ રહી છે, કારણ કે તે જેલ જવાથી બચી ગયા છે. હવે કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે નિર્ધારિત કરવામાં આવી છે, જ્યાં બાકી ચુકવણી અને અંતિમ નિર્ણય અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.