National

અમેરિકાથી ગેસ સપ્લાય વધતા ભારતને મોટી રાહત, મેંગલુરુમાં કાર્ગો પહોંચ્યું

અમેરિકાના ટેક્સાસથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને એક કાર્ગો જહાજ New Mangalore Port પર ગઈકાલે સફળતાપૂર્વક પહોંચ્યું છે. છેલ્લા 7 દિવસમાં ગેસ અને ક્રૂડ ઓઇલ સાથે કુલ ચાર જહાજો ભારત આવ્યા છે, જે સપ્લાય ચેઇન સ્થિર રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પહેલા પણ ભારતીય ધ્વજવાળા અને અન્ય LPG કેરિયર્સ જેમ કે MT શિવાલિક અને MT નંદા દેવી મોટી માત્રામાં ગેસ લઈને દેશમાં પહોંચ્યા હતા. ખાસ કરીને MT શિવાલિક લગભગ 46,000 મેટ્રિક ટન LPG સાથે Mundra Port પર આવ્યું હતું, જે લાખો ઘરેલુ ગેસ સિલિન્ડર માટે પૂરતું છે. કેન્દ્ર સરકારે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લીધા છે. 23 માર્ચથી રાજ્યોને 20% વધુ LPG સપ્લાય આપવામાં આવી રહી છે, જેથી હાલના સંકટને પહોંચી વળવામાં સહાય મળે. Ministry of Petroleum and Natural Gasએ રાજ્યોને સૂચના આપી છે કે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન અને કોમ્યુનિટી કિચનને પ્રાથમિકતા આપવામાં આવે. સાથે જ પ્રવાસી મજૂરો માટે 5 કિલોના સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા અને કાળાબજારી રોકવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ Strait of Hormuzમાં વધેલો તણાવ છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદ આ મહત્વપૂર્ણ જળમાર્ગ અસુરક્ષિત બન્યો છે. દુનિયાના લગભગ 20% પેટ્રોલિયમનો પુરવઠો આ માર્ગથી થાય છે, જ્યારે ભારતનો 80-85% LPG આયાત પણ અહીંથી જ થાય છે. જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફારસની ખાડીમાં હાજર લગભગ 22 ભારતીય જહાજો સુરક્ષિત છે અને દેશમાં LPG કે તેલની કોઈ અછત નથી. સરકાર સતત લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી રહી છે. આ સંજોગોમાં અમેરિકાથી LPG લઈને જહાજનું ભારત પહોંચવું દેશ માટે ઊર્જા સુરક્ષા દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ અને રાહતભર્યું પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top