Gujarat

સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત, હવે ભાઈ-બહેનને પણ મળશે મફત સારવાર

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે તબીબી સારવાર સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ હવે કર્મચારી પર આર્થિક રીતે આધારિત ભાઈ-બહેનોને પણ મફત સારવારનો લાભ મળશે. અગાઉ તબીબી સારવારની સુવિધા મુખ્યત્વે પત્ની અથવા પતિ, સંતાનો અને માતા-પિતા સુધી મર્યાદિત હતી, પરંતુ હવે પરિવારની વ્યાખ્યાને વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે. નવા સુધારા અનુસાર હવે કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે નિર્ભર એવા પરિવારના અન્ય સભ્યોને પણ સારવારની સુવિધા મળશે. તેમાં પત્ની અથવા પતિ, સંતાનો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ લાભ મેળવવા માટે સંબંધિત સભ્ય કર્મચારી સાથે રહેતા હોવા જરૂરી રહેશે.

સરકાર દ્વારા આર્થિક નિર્ભરતા માટે સ્પષ્ટ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતોમાંથી થતી માસિક આવક પાંચસો કરતા વધુ ન હોય તો જ તેમને કર્મચારી પર સંપૂર્ણપણે આધારિત માનવામાં આવશે અને તેમને સારવાર સંબંધિત લાભ મળશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નિયમોમાં કરાયેલો આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે હવે માંદગીના સમયે પરિવારના અન્ય નિર્ભર સભ્યોની સારવારનો ખર્ચ પણ સહેલાઈથી સંભાળી શકાયશે. સરકારના આ નિર્ણયથી તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવી છે અને કર્મચારી પર આધારિત પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધા મળી શકશે.

Most Popular

To Top