Business

લોનધારકોને મોટી રાહત: RBIએ રેપો રેટ ઘટાડીને 5.25% કર્યો, હોમ-કાર લોન થશે સસ્તી

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે તા. 5 ડિસેમ્બર શુક્રવારે લાખો લોનધારકોને મોટી ભેટ આપી છે. નાણાકીય નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ નવો રેપો રેટ 5.25% થયો છે. જેના કારણે ઘર, કાર અને વ્યક્તિગત લોનની EMIમાં સીધી રાહત મળશે.

RBIએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી ફુગાવો સતત ઘટી રહ્યો છે અને અર્થતંત્ર સ્થિર રીતે આગળ વધી રહ્યું છે. MPCએ તા.3 થી 5 ડિસેમ્બર દરમિયાન નાણાકીય સ્થિતિ, વૈશ્વિક બજારો, ખરીદી માંગ અને દેશના આર્થિક પ્રદર્શનની સંપૂર્ણ સમીક્ષા કરી.

ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ભારતની GDP બીજા ક્વાર્ટરમાં 8.2% વધી હતી અને ઓક્ટોબર 2025માં છૂટક ફુગાવો 0.25% પર આવી ગયો હતો. જે અત્યંત સકારાત્મક સંકેત છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે લોન થશે સસ્તી
રેપો રેટ ઘટાડા બાદ બેંકો RBI પાસેથી ઓછા વ્યાજે રકમ ઉધાર લઈ શકશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે.

  • હોમ લોનની EMI ઓછી થશે
  • ઓટો લોન સસ્તી થશે
  • પર્સનલ લોન પર પણ વ્યાજનો બોજ ઘટશે

સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા પગલાં
રેપો રેટ ઘટાડા સિવાય RBIએ બજારમાં પ્રવાહિતા વધારવા માટે નીચેના નિર્ણયો પણ લીધા:

  • STF  (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) દર ઘટાડીને 5%
  • MSF અને બેંક દર 5.5%
  • 1 લાખ કરોડના સરકારી બોન્ડની OMO ખરીદી
  • $5 બિલિયનનું 3 વર્ષની અવધિનું ડોલર-રૂપિયા સ્વેપ

આ પગલાંનો હેતુ બેંકિંગ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટી જાળવી રાખવાનો છે.

RBIનું તટસ્થ વલણ યથાવત્
RBIએ સ્પષ્ટ કર્યું કે તે નાણાકીય નીતિમાં ‘તટસ્થ વલણ’ જાળવશે. એટલે કે આગળની નીતિઓમાં ફુગાવો નિયંત્રિત રાખતાં વૃદ્ધિને ગતિ આપવાનું બંનેને સમાન મહત્વ આપવામાં આવશે.

Most Popular

To Top