Gujarat

સ્થાનિક ચૂંટણી પહેલા મોટો રાજકીય વળાંક, AAPના પૂર્વ નેતા રાજુ કરપડાનો પક્ષપલટો, ભાજપમાં એન્ટ્રી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે AAPના પૂર્વ નેતા રાજુ કરપડા આજે (9 એપ્રિલ) બપોરે 12:30 વાગ્યે ભાજપમાં જોડાયા છે. તેઓ સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે પહોંચી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. રાજુ કરપડા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાણીતા ખેડૂત નેતા તરીકે ઓળખાય છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, એવી ચર્ચા ચાલી રહી છે. તેમના ભાજપમાં જોડાવાને કારણે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓને તક આપવામાં આવી છે, જેથી વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ મળે. તો બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ, ભાજપની ચૂંટણી સમિતિની બેઠક આવતીકાલ સુધી લંબાવવામાં આવી છે અને આજે રાત સુધીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી શકે છે. આથી રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ચૂંટણીને લઈને અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતમાં AAP અને ભાજપના કાર્યાલયો સામસામે ખુલ્યા છે, જે રાજકીય ટક્કરની નિશાની છે. જ્યારે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વિવાદાસ્પદ બેનરો પણ જોવા મળ્યા છે, જેના કારણે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. નોંધનીય છે કે, રાજુ કરપડાનું નામ અગાઉ બોટાદ જિલ્લાના હડદડ ગામે થયેલા ખેડૂત-પોલીસ ઘર્ષણ કેસમાં પણ આવ્યું હતું, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ જામીન પર બહાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષપલટા, ઉમેદવારોની જાહેરાત અને રાજકીય હલચલના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી પ્રચાર સાથે રાજકીય વાતાવરણ વધુ તેજ બનવાની સંભાવના છે.

Most Popular

To Top