Gujarat

આદિજાતિ ગામોને પાણી સંચાલન બદલ મોટું પ્રોત્સાહન: ૨૫૮ ગ્રામ પંચાયતને રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ

ગાંધીનગર,તા.13
રાજ્યના આદિજાતિ અને છેવાડાના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા જાળવવા સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના” અંતર્ગત ૧૧ જિલ્લાનાં ૨૫૮ ગામોને રૂ. ૫.૧૬ કરોડથી વધુની પ્રોત્સાહન રકમ અપાઈ છે.

પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહયું હતું કે ‘જલ જીવન’ મિશન દ્વારા ઘરઘર સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ યોજનાનો લાભ ખાસ કરીને આદિજાતિ ગામોને વધુ મળે તે હેતુથી આ પ્રોત્સાહન યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ સાબરકાંઠા (૫૭ ગામ), તાપી (૫૨), ભરૂચ (૨૭), સુરત (૨૫), નવસારી (૨૪), વલસાડ (૨૦), બનાસકાંઠા (૧૭), ડાંગ (૧૬), અરવલ્લી (૧૫), દાહોદ (૩) અને પંચમહાલ (૨) સહિત કુલ ૨૫૮ ગામોને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજનાના નિર્ધારિત માપદંડો મુજબ સંચાલન, પાણીની ગુણવત્તા, ફરિયાદ નિવારણ, પાણીવેરા વસુલાત અને નિયમિત પાણી વિતરણ જેવા મુદ્દાઓ પર ૧૦૦માંથી ૭૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મૂલ્યાંકન કરી જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવે છે અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ અંતિમ મંજૂરી આપી રકમ ફાળવવામાં આવે છે.

પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાથી ગ્રામ પંચાયતોમાં માલિકીભાવ વિકસ્યો છે, ફરિયાદો ઘટી છે અને પાણી પુરવઠા તથા પાણીવેરા વસુલાતમાં સુવ્યવસ્થિત પદ્ધતિ વિકસી રહી છે. પરિણામે આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓ વધુ અસરકારક રીતે કાર્યરત બની રહી છે.

Most Popular

To Top