હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે Ministry of Civil Aviationએ સીટ સિલેક્શનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એરલાઇન્સ કંપનીઓ મુસાફરો પાસેથી પસંદગીની સીટ માટે મનમાની રીતે વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. નવા નિયમો મુજબ, દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60% સીટ મુસાફરોને કોઈપણ વધારાના શુલ્ક વગર ઉપલબ્ધ કરાવવી પડશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ થશે કે વેબ ચેક-ઈન દરમિયાન લેવાતા હિડન ચાર્જમાં ઘટાડો થશે. અત્યાર સુધી મુસાફરોને પોતાની પસંદગીની સીટ માટે વધારાના રૂપિયા ચૂકવવા પડતા હતા, ખાસ કરીને વિન્ડો અથવા aisle સીટ માટે. હવે આ પ્રથા પર મોટો અંકુશ આવશે.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક જ PNR પર મુસાફરી કરતા લોકો, જેમ કે પરિવાર અથવા મિત્રોને શક્ય હોય ત્યાં સુધી સાથે અથવા નજીકની સીટ ફાળવવી પડશે. આ પગલાથી ગ્રુપમાં મુસાફરી વધુ અનુકૂળ બનશે અને મુસાફરોને અલગ-અલગ સીટ મળવાની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત, એરલાઇન્સને મુસાફરો માટેની નીતિઓ વધુ પારદર્શક બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સ્પોર્ટ્સ સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પાળતુ પ્રાણીઓ સાથે મુસાફરી અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવી પડશે. ફ્લાઈટ મોડી પડવી કે રદ થવાની સ્થિતિમાં મુસાફરોના અધિકારો વિશે માહિતી હવે વેબસાઇટ અને એરપોર્ટ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવી પડશે. આ નિર્ણયથી મુસાફરો વધુ માહિતગાર બની શકશે. આ પગલું દેશના ઝડપથી વિકસતા એવિએશન સેક્ટરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેથી હવાઈ મુસાફરી વધુ સસ્તી, સરળ અને પ્રવાસ ફેન્ડ્રલી બની રહે.