Business

રિલાયન્સના 35 લાખ શેરધારકોને કંપનીની મોટી ભેટ, જીયો યુઝર્સ માટે પણ ગુડન્યુઝ!

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) દરવર્ષે પોતાની કંપનો પ્રોગ્રેસ અને નવી યોજનાની જાહેરાત માટે વાર્ષિક મીટિંગનું (AGM) આયોજન કરે છે. ત્યારે આ વર્ષની બેઠકનું આયોજન આજે ગુરુવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધિત કર્યા હતા અને બોનસ શેરની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે જીયોના યુઝર્સને પણ મોટી ભેટ આપી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આજે 47મી એજીએમ (Reliance AGM 2024)નું આયોજન કર્યું હતું. જેમાં કંપનીએ પોતાના 35 લાખ શેરધારકોને મોટી ભેટની જાહેરાત કરી હતી. અસલમાં કંપનીએ પોતાના શેરધારકોને એક શેરના બદલામાં બોનસ તરીકે એક શેર આપવાની જાહેરાત કરી હતી. હવે આ એગ્રીમેન્ટ ઉપર 5 સપ્ટેમ્બર 2024ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં અંતિમ ઔપચારિકતા (ફોર્માલીટી) પુરી કરવામાં આવશે. આટલું જ નહીં પણ મુકેશ અંબાણીએ પોતાના સંબોધન દરમિયાન જીયો યુઝર્સ માટે પણ મોટી ભેટની જાહેરાત કરી હતી.

મુકેશ અંબાણીનું જીયો યુઝર્સને સંબોધન
જીયોના યુઝર્સ વિશે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જીયોને વિશ્વના સૌથી અદ્યતન 5G નેટવર્કની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમજ પાછલા 2 વર્ષમાં 13 કરોડથી વધુ ગ્રાહકો Jio 5G સાથે જોડાયા છે. એટલું જ નહીં માત્ર 100 દિવસમાં જ 10 લાખથી વધુ ગ્રાહકોએ Jio Air Fiberને અપનાવ્યું છે. ત્યારે Jioએ દર મહિને 10 લાખ ઘરોમાં એર ફાઈબર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે જો Jio આ ઝડપે વૃદ્ધિ કરશે તો જીયો ટુંક સમયમાં જ હોમ બ્રોડબેન્ડ સાથે 10 કરોડ ઘરોમાં પહોંચી જશે.

મુકેશ અંબાણીની Jio AI ક્લાઉડની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે Jio AI ક્લાઉડ ઑફર શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓફરમાં દરેક Jio વપરાશકર્તાને 100 GB ક્લાઉડ સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવશે. તેમજ Jio AI-Cloud વેલકમ ઓફર આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘મને Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. Jio વપરાશકર્તાઓને 100 GB FPS ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, ડોક્યમેન્ટ્સ અને અન્ય ડિજિટલ સામગ્રી અને ડેટા સ્ટોર કરી શકશે. આ સાથે જ અમે આ વર્ષે દિવાળી પર Jio AI ક્લાઉડ વેલકમ ઑફર લૉન્ચ કરીશું.’

રિલાયન્સના શેર હોલ્ડર્સને મળશે આ લાભ
આજે બપોરે 2 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ મીટિંગ શરૂ થાય તે પહેલાં, કંપનીએ સ્ટોક એક્સચેન્જો સાથે પોતાની રેગ્યુલેટરી ફાઇલિંગ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકનું આયોજન કરવામાં આવશે. આ મીટિંગમાં 1:1 ના રેશિયોના આધારે શેરધારકોને બોનસ શેર આપવા અંગે વિચારણા કરવામાં આવશે. એટલે કે જો શેરધારકો પાસે એક શેર હોય, તો તેના બદલે કંપની તેમને એક શેર આપશે.

અસલમાં બોનસ શેરનો અર્થ એ છે કે જો કોઈ શેરધારક પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 શેર હોય, તો બોનસ શેર પછી તેમની પાસે 200 શેર હશે. જો કે, શેરની કિંમત બરાબર પ્રમાણમાં ઘટશે. એટલે કે જે શેરનો ભાવ આજે રૂ. 3000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે તો તે ઘટીને રૂ. 1500 થઈ જશે. રિલાયન્સ એજીએમની બેઠકને સંબોધતા ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને બોનસ શેર આપવા અંગે વિચારણા કરવા માટેની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વિશે પણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ બેઠક 5 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાશે. મુકેશ અંબાણીની જાહેરેત દરમિયાન શેરબજારમાં રિલાયન્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયે કંપનીનો શેર 1.73 ટકાના વધારા સાથે રૂ. 3048.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Most Popular

To Top