10મી સુધી તમામ ઉમેદવારો જાહેર થશે, યુવા ચહેરાઓને મળશે તક
ગુજરાતમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓને લઈને ભાજપે મહત્વપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો છે કે 10મી તારીખ સુધીમાં તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં સ્થાનિક અસંતોષને કાબૂમાં રાખવા માટે ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યોને મુખ્ય એજન્ડા બનાવી મેદાનમાં ઉતરશે.
પાર્ટી સૂત્રો અનુસાર, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોને મતદારો સુધી પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ભાજપ આ મુદ્દાઓને જોરશોરથી પ્રચારમાં ઉપયોગ કરશે.ઉમેદવારી પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમને 4 એપ્રિલ સુધીમાં તમામ વિસ્તારોમાં ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેથી યોગ્ય ઉમેદવારોની પસંદગી થઈ શકે.
આ વખતે ભાજપે ટિકિટ વહેંચણીમાં કડક નિયમો અપનાવ્યા છે. ધારાસભ્ય, સાંસદ અથવા સંગઠનના મોટા પદ પર રહેલા નેતાઓના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે. ઉપરાંત, સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા અને 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને પણ ટિકિટ આપવાની સંભાવના ઓછી છે.
પાર્ટીનો મુખ્ય ફોકસ નવા અને યુવા ચહેરાઓને આગળ લાવવાનો છે. ભાજપ માને છે કે યુવાનોને તક આપવાથી પાર્ટીમાં નવી ઊર્જા આવશે અને મતદારોમાં સકારાત્મક સંદેશ જશે. રાજકીય વિશ્લેષકો મુજબ, ભાજપનો આ નિર્ણય સ્થાનિક સ્તરે વધતા અસંતોષને ઘટાડવા અને નવી પેઢીને રાજકારણમાં પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
હવે સૌની નજર ભાજપની ઉમેદવાર યાદી પર છે, જે આગામી દિવસોમાં જાહેર થવાની છે અને સ્થાનિક ચૂંટણીની દિશા નક્કી કરશે.