SURAT

સુરત મહાનગરપાલિકામાં બઢતી મામલે મોટો વિવાદ

“કોઈ નીતિ જ નથી” RTIના જવાબથી હલચલ

સુરત મહાનગરપાલિકા (SMC)માં કર્મચારીઓની બઢતી મુદ્દે મોટો વિવાદ ઉભો થયો છે. સુરત મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ સ્ટાફ યુનિયન દ્વારા કરવામાં આવેલી RTIમાં મળેલા જવાબે સમગ્ર પ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. RTIના જવાબ મુજબ, વર્ગ-૪માંથી વર્ગ-૩માં ક્લાર્ક તરીકે બઢતી આપવા માટે કોઈ નીતિ નિયમ અમલમાં જ નથી!

22 હજાર કર્મચારીઓ સામે 8000 જગ્યાઓ ખાલી : હાલ સુરત મહાનગરપાલિકામાં અંદાજે 22,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, જ્યારે લગભગ 8,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે યુનિયન દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. જેના આધારે વર્ગ-૪ના કર્મચારીઓને વર્ગ-૩માં ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી રહી છે.

RTIમાં ચોંકાવનારો ખુલાસો : યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઈકબાલ શેખ દ્વારા RTI હેઠળ ત્રણ મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી: સામાન્ય સભાના ઠરાવની નકલ, મહેકમ વિભાગના પરિપત્રો, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની મીટીંગ રિપોર્ટ પરંતુ 25 માર્ચ 2026ના રોજ જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલા જવાબમાં જણાવાયું કે, આવી બઢતી માટે કોઈ નીતિ નિયમ અમલમાં નથી.

તો પછી બઢતી કઈ રીતે આપવામાં આવી?” : આ જવાબ બાદ યુનિયને સવાલ ઉઠાવ્યો છે કે, જો કોઈ નીતિ જ નથી તો અત્યાર સુધી આપવામાં આવેલી બધી બઢતીઓ કઈ આધારે આપવામાં આવી? યુનિયનનો દાવો છે કે આ મુદ્દે સામાન્ય સભાનો ઠરાવ થયેલો છે અને તેના આધારે બઢતીઓ આપવામાં આવી છે.

કોર્ટ સુધી ગયો હતો મામલો : આ મુદ્દે અગાઉ એક યુનિયન દ્વારા કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો હતો, જે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લગભગ 18 કર્મચારીઓને વર્ગ-૪માંથી વર્ગ-૩માં બઢતી આપવામાં આવી હતી.

SMC કમિશનર પાસે તપાસની માંગ : યુનિયન પ્રમુખ મોહમ્મદ ઈકબાલ શેખે માંગ કરી છે કે જો બઢતીઓ ગેરકાયદેસર રીતે આપવામાં આવી હોય તો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

અપીલ દાખલ, હવે આગળ શું? RTIના જવાબથી અસંતોષ વ્યક્ત કરતાં યુનિયન દ્વારા અપીલ અધિકારી અને પર્સનલ ઓફિસર પાસે અપીલ પણ કરવામાં આવી છે. હવે અપીલમાં શું નિર્ણય આવે છે તે પર સૌની નજર ટકેલી છે. સુરત મહાનગરપાલિકામાં બઢતી પ્રકરણ હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે. RTIના ખુલાસા બાદ પ્રશાસનની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે મોટો નિર્ણય આવવાની શક્યતા છે.

Most Popular

To Top