મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં ફિનાલેના થોડા દિવસો પહેલાં જજ ઓમર હર્ફૂશે રાજીનામું આપતા સ્પર્ધા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ઓમરનું કહેવું છે કે ટોચની 30 સ્પર્ધકોની પસંદગી પહેલેથી જ નક્કી કરી દેવામાં આવી હતી.
થાઈલેન્ડના બેંગકોકમાં યોજાઈ રહેલી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં ફિનાલે પહેલાં જ મોટો વિવાદ ઊભો થયો છે. જજ ઓમર હર્ફૂશે ફિનાલેના માત્ર ત્રણ દિવસ પહેલાં પદ પરથી રાજીનામું આપી દીધું અને સ્પર્ધા સામે ગંભીર આક્ષેપો કર્યા.
જજ ઓમરનો દાવો છે કે ટોચના 30 સ્પર્ધકોની પસંદગી સત્તાવાર જજિંગ શરૂ થતા પહેલાં જ કરી દેવામાં આવી હતી. જેને તેઓ “અન્યાયપૂર્ણ” ગણાવે છે. આ ઘટનાએ સ્પર્ધામાં પારદર્શિતા અંગે સવાલો ઉભા કર્યા છે.
ઓમર હર્ફૂશે શું આક્ષેપો કર્યા?
ઓમર અનુસાર એક “ગુપ્ત સમિતિ” અથવા બિનસત્તાવાર જ્યુરી દ્વારા ટોચની 30 સ્પર્ધકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આ સમિતિમાં એવા લોકો પણ સામેલ હતા જેમના સ્પર્ધકો સાથે વ્યક્તિગત સંબંધો હતા. વધુ ગંભીર આક્ષેપમાં તેમણે કહ્યું કે એક જજનું એક સ્પર્ધક સાથે અફેર હોવાનું પણ જાણવા મળ્યું.
ઓમરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે 136 સ્પર્ધકોનું જજિંગ થવાનું હતું પરંતુ જજોને ફક્ત 30 નામ આપવામાં આવ્યા હતા. જેમને પહેલેથી જ પસંદ કરવામાં આવ્યા હતા.
મિસ યુનિવર્સના માલિક સાથે તણાવ
માહિતી મુજબ મિસ યુનિવર્સના માલિક રાઉલ રોચા સાથેની તીવ્ર દલીલ બાદ ઓમરે તાત્કાલિક રાજીનામું આપી દીધું. તેમણે દાવો કર્યો કે રોચાએ તેમના આક્ષેપો સાંભળવા બદલે તેમને અનાદરથી જવાબ આપ્યો.
સ્પર્ધકનો પણ સમર્થન
એક સ્પર્ધકે અનામી રીતે ઓમરના દાવાને સમર્થન આપ્યું. તેણીએ જણાવ્યું કે રિહર્સલ પૂર્ણ કર્યા પછી જ્યારે સોશિયલ મીડિયા પર ગઈ ત્યારે તેને ખબર પડી કે ટોચની 30ની યાદી પહેલા જ તૈયાર હતી.
MUOએ બધા આરોપો ફગાવ્યા
મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન (MUO)એ સત્તાવાર નિવેદન બહાર પાડીને ઓમરના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. MUOએ કહ્યું કે કોઈ ગુપ્ત સમિતિ કે બિનસત્તાવાર જ્યુરી બનાવવામાં આવી નથી અને જજિંગ સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવી રહ્યું છે.
MUOએ ઓમર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો અને તેમને જીવનભર માટે મિસ યુનિવર્સ બ્રાન્ડમાંથી પ્રતિબંધિત કરી દીધા.
આ વિવાદને કારણે મિસ યુનિવર્સ 2025 ફરી એક વખત ચર્ચામાં આવી છે, ભલે ઓર્ગેનાઇઝેશન દાવો કરે છે કે બધા આક્ષેપો નિરાધાર છે.