1 એપ્રિલ 2026થી ભારતમાં ઓનલાઈન ચુકવણી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે, જેનો સીધો પ્રભાવ લાખો યુઝર્સ પર પડશે. આરબીઆઈ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવે UPI, કાર્ડ અને ડિજિટલ વોલેટ દ્વારા થતા તમામ ટ્રાન્ઝેક્શન માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત રહેશે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ વધતી સાયબર ઠગાઈઓને રોકવો અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે. નવા નિયમો હેઠળ હવે કોઈપણ પેમેન્ટ કરતી વખતે માત્ર PIN પૂરતું નહીં રહે. યુઝર્સને PIN સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન અથવા ડાયનેમિક OTP દ્વારા ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવું પડશે. આ ડબલ સિક્યોરિટી સિસ્ટમ હેકર્સ માટે છેતરપિંડી કરવી વધુ મુશ્કેલ બનાવશે. RBIએ જોખમ આધારિત ઓથેન્ટિકેશન સિસ્ટમ પણ રજૂ કરી છે. નાના અને નિયમિત ટ્રાન્ઝેક્શન માટે પ્રક્રિયા સરળ રહેશે, જ્યારે મોટા અથવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે વધારાની સુરક્ષા ચકાસણી, જેમ કે ફેસ ID અથવા વધારાના OTP, જરૂરી બનશે. આથી યુઝર્સને અનાવશ્યક મુશ્કેલી વગર સુરક્ષા પણ મળશે.
આ નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે બેંકો અને પેમેન્ટ ગેટવેની જવાબદારી વધશે. જો કોઈ સંસ્થા સુરક્ષા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય અને ગ્રાહક સાથે છેતરપિંડી થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તે નાણાકીય સંસ્થા પર રહેશે. આથી સિસ્ટમમાં પારદર્શિતા અને વિશ્વાસ વધવાની શક્યતા છે. આગામી સમયમાં આ નિયમો વધુ કડક બનવાની શક્યતા છે. અહેવાલો મુજબ, ઓક્ટોબર 2026 સુધીમાં આ જ સુરક્ષા ધોરણો આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે પણ લાગુ થઈ શકે છે, જેનાથી વૈશ્વિક સ્તરે ડિજિટલ છેતરપિંડી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. યુઝર્સ માટે પણ સાવચેતી જરૂરી છે. જાહેર Wi-Fi પર પેમેન્ટ ટાળવું, માત્ર https વાળી વેબસાઇટ્સનો ઉપયોગ કરવો, અને ક્યારેય OTP અથવા PIN કોઈ સાથે શેર ન કરવો, આ મૂળભૂત પગલાં હવે વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. સાથે જ, હંમેશા અધિકૃત અને વિશ્વસનીય એપ્સ દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરવું સલાહભર્યું છે. આ નવા નિયમો ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.