નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી હતી. સિસોદિયાની કસ્ટડી આવતીકાલે બુધવારે એટલે કે 22 મે ના રોજ પૂર્ણ થવાની હતી. જેથી આજે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Delhi Rouse Avenue Court) આમામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીની તારિખ લંબાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી હતી. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેમજ હાલ ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આવતીકાલે 22 મે ના રોજ બુધવારે સમાપ્ત થઈ રહી હતી. જેની સુનાવણી માટે તેમને વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સુનાવણી દરમિયાન રાઉઝ એવેન્યુ કોર્ટના જજ કાવેરી બાવેજાએ સિસોદિયાની કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો.
અગાવ 14 મેના રોજ કોર્ટે સિસોદિયા, CBI અને EDની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન EDએ દલીલ કરી હતી કે તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવશે. 17 મેના રોજ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવ્યી હતી.
બીજી બાજુ સિસોદિયા માટે જામીનની વિનંતી કરતી વખતે તેમના વકીલે કહ્યું હતું કે ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં તપાસ અને કેસમાં સંકળાયેલા લોકોની ધરપકડ કરી રહી છે અને ટ્રાયલ વહેલામાં સમાપ્ત થવાની કોઈ શક્યતા નથી. ઇડી અને સીબીઆઇ બંનેએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યુ હતું કે આરોપીઓ દ્વારા કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં તપાસ એજન્સી EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જ્યારે કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી હતી. કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 1 મે સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. તેમજ ચૂંટણી પૂર્ણ થતા જ તેમણે 2 મેના રોજ આત્મસમર્પણ કરવું પડશે.