ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય વન ડે ટીમના વાઈસ કેપ્ટન અને મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયરને ICUમાં એડમિટ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન તે ઈન્જર્ડ થયચો હતો. ત્યાર બાદ તેને બાદ સિડનીની હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. શ્રેયસની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેમને ઇન્ટરનલ બ્લીડિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના તા. 25 ઓક્ટોબર ના રોજ સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે દરમિયાન બની હતી. મેચ દરમ્યાન ઐયર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો શાનદાર કેચ લેવા માટે પાછળ દોડ્યા અને કેચ સફળતાપૂર્વક પકડી પણ લીધો હતો પરંતુ તે દરમ્યાન તેમની ડાબી બાજુની પાંસળી પર જોરદાર આંચકો લાગ્યો હતો. તરત જ તેમને ભારે દુખાવો શરૂ થઈ ગયો હતો. જેના કારણે તેઓને મેદાન છોડવું પડ્યું હતું.
ત્યાર બાદ ઐયરને તાત્કાલિક સિડનીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ ટેસ્ટ બાદ ઇન્ટરનલ બ્લીડિંગ થયાની જાણ થઈ હતી. તબીબી સલાહ મુજબ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેને ઓછામાં ઓછા બે થી સાત દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં આવશે.
શ્રેયસ ઐયરનું ઈજાગ્રસ્ત થવું ટીમ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટે જણાવ્યું છે કે ઐયરની સ્વસ્થતા પ્રાથમિકતા છે અને તેમની સાજા થવાની પ્રક્રિયા અંગે વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઈજાના કારણે શક્ય છે કે શ્રેયસ ઐયર આવતા કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહેશે.