National

CM કેજરીવાલને કોર્ટનો મોટો ઝટકો, આ તારીખે કોર્ટમાં હાજર થવાનો આદેશ

નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ (Delhi Liquor Scam) મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Chief Minister Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી રહી છે. EDના સમન્સની અવગણના કરી રહેલા CM કેજરીવાલને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સમન્સ (Summons) મોકલીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા અત્યાર સુધી દિલ્હીના સીએમ કેજરીવાલને 5 સમન્સ મોકલવામાં આવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પૂછપરછ માટે હાજર થયા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 5 સમન્સ છતાં દિલ્હીના સીએમ કેજરીવાલ હાજર ન થવા સામે ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બુધવારે આ મામલામાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હીના સીએમ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

સમન્સ પર AAPનું નિવેદન
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પર AAPનું નિવેદન સામે આવ્યું છે. પક્ષે કહ્યું છે કે અમે કોર્ટના આદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાર બાદ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. પક્ષે કહ્યું છે કે અમે કોર્ટને જણાવીશું કે EDના તમામ સમન્સ કેવી રીતે ગેરકાયદેસર હતા.

કેજરીવાલ વતી વકીલો ગયા નહી
આજે જ્યારે EDના અધિકારીઓ કોર્ટમાં પહોંચ્યા ત્યારે ન્યાયાધીશે પૂછ્યું કે શું તેમની પાસે વધુ કોઈ રજૂઆત છે. જેના પર ED અધિકારીઓએ કહ્યું કે તેઓ તેમની દલીલો આપી ચૂક્યા છે. જો કોઈ સ્પષ્ટતા હશે તો એએસજી એસવી રાજુ કોર્ટમાં વીસી સાથે જોડાશે. મળતી માહિતી મુજબ આજે અરવિંદ કેજરીવાલ વતી કોઈ વકીલ કોર્ટમાં હાજર થયો ન હતો. તેમજ સાંજે 4 વાગ્યે ACMM દિવ્યા મલ્હોત્રાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

AAP નેતા આતિષીએ આરોપ લગાવ્યા
દિલ્હીના મંત્રી આતિષીએ કહ્યું કે, “ભાજપ અને પીએમ મોદી અરવિંદ કેજરીવાલના શાસનને ખત્મ કરવા માંગે છે. હવે તેઓએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ કેસ કે ઈસીઆઈઆર વગર દરોડા પાડવામાં આવી રહ્યા છે.” શું તે મુખ્ય તપાસ એજન્સી છે?… આજે, EDનો ઉપયોગ માત્ર તેમના (BJP) રાજકીય હરીફોને ખત્મ કરવા માટે કરવામાં આવે છે અને અરવિંદ કેજરીવાલ આ યાદીમાં નંબર વન છે.

Most Popular

To Top