Gujarat

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભૃગુરાજસિંહને મેદાનમાં ઉતાર્યા

ગાંધીનગર : આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારો જાહેર કરતાં હવે આ બેઠક પર સીધી જંગની સ્થિતિ ઉભી થઈ છે.

ભારતીય જનતા પાર્ટીએ દિવંગત ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી રાજકીય રીતે મોટો દાવ ખેલ્યો છે. પિતાના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર સહાનુભૂતિ અને યુવા ચહેરાનો સંયોજન ઉભું કરીને ભાજપે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.હર્ષદ પરમાર લાંબા સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય રહ્યા છે અને ખેતી તથા સમાજસેવા સાથે જોડાયેલા છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ નિર્ણયને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાજપના આ દાવ સામે કોંગ્રેસે પણ અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ઉમરેઠ તાલુકા પંચાયતના 2000થી 2015 સુધી ત્રણ ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે અને સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે.કોંગ્રેસે અનુભવ અને સ્થાનિક જોડાણના આધારે ભૃગુરાજસિંહ ચૌહાણને પસંદ કરીને ભાજપના સહાનુભૂતિ કાર્ડ સામે મજબૂત પડકાર ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે.


ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. કાર્યક્રમ નીચે મુજબ:
ઉમેદવારી કરવાની અંતિમ તા: 6 એપ્રિલ
ચકાસણી: 7 એપ્રિલ
ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તા: 9 એપ્રિલ
મતદાન: 23 એપ્રિલ
મતગણતરી: 4 મે
ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. બૂથ સ્તરે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને અધિકારીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી હવે માત્ર એક બેઠકનો જંગ નથી, પરંતુ રાજ્યના રાજકારણમાં દિશા નક્કી કરનારી મહત્વપૂર્ણ ટક્કર બની રહી છે. એક તરફ ભાજપ સહાનુભૂતિ અને યુવા ચહેરા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ અનુભવ અને સંગઠન શક્તિ પર દાવ લગાવી રહી છે.હવે 23 એપ્રિલે મતદારો શું નિર્ણય કરે છે અને 4 મેના પરિણામે કોણ બાજી મારશે, તેની ઉપર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

Most Popular

To Top