રાજપીપળા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) બાદ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલીસ્તાનનો મુદ્દો ઉઠાવી બ્યૂગલ ફૂંક્યું છે. આગામી દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાઓનો પ્રવાસ કરી અલગ ભીલીસ્તાનની માંગ બુલંદ કરવા ધારાસભ્ય ચૈતર વસાવા આયોજન કરી રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત સરકારના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ભીલીસ્તાનની ચળવળ સફળ નહીં રહે, એ માત્ર રાજકીય મુદ્દો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના સાગબારાના દેવમોગરા પાંડોરી માતાના મંદિર પરિસરમાં સફાઈ અભિયાન માટે આવેલા આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે પ્રથમ તો આપ નેતા યુવરાજસિંહે ઉઠાવેલા સરકાર વિરુદ્ધના મુદ્દા બાબતે ચૂપકીદી સેવી હતી અને જણાવ્યું હતું કે, એનો જવાબ અમારા પ્રવક્તા આપશે. જ્યારે અલગ ભીલીસ્તાનની માંગ મુદ્દે એમણે જણાવ્યું હતું કે, આ સામાજિક નહીં માત્ર એક રાજકીય મુદ્દો છે.
કેટલાક નેતાઓ પોતાનો રાજકીય લાભ ખાટવા આવા તૂત કરે છે. મોદી સાહેબનો સંકલ્પ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રથી આગળ વધવાનું છે અને આદિવાસી સમાજ એ સૂત્રથી આગળ વધવા કટિબદ્ધ છે. એટલે જ ગુજરાતમાં 27માંથી 23 આદિવાસી બેઠક પર ભાજપનો વિજય થયો છે. જેથી સાચા અર્થમાં મોદીનું સૂત્ર સાર્થક થયું છે. અલગ ભીલીસ્તાનનો મુદ્દો વ્યક્તિગત સ્વાર્થ માટે હમણાં ઉઠાવ્યો છે. આદિવાસી સમાજ પણ સમરસતાની ભાવના સાથે વિકાસ સાથે જોડાયો છે અને એ વિકાસનો સવિશેષ લાભ આદિવાસી સમાજને મળ્યો છે, જેમાં તમામ લોકો જોડાયા છે. ભીલીસ્તાનની ચળવળ સફળ નહીં રહે, એ માત્ર રાજકીય મુદ્દો છે.