રાજકોટ: ફેબ્રુઆરી મહિનાના મધ્ય સાથે જ શિયાળાની (Winter) સિઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ વખતે ભાવનગર (Bhavnagar) જિલ્લાના મુખ્ય જળાશયોમાં 55.67 જેટલા પાણીનું સંચય થયું છે. જે ગત વર્ષની પાણીના સંગ્રહની તુલનામાં 23.64 ટકા ઓછો છે. ગત વર્ષે શિયાળાના અંતિમ તબક્કામાં વિક્રમજનક 79.31 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. પાણીના સંચય થયેલા જથ્થામાં આ વર્ષે હાલમાં પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લો છે, જ્યાં જળાશયોમાં કુલ 257.30 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે અને બાદમાં રાજકોટ જિલ્લો છે. જ્યાં 252.12 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે.
ભાવનગર જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયેલો તેમજ જળાશયોમાં નોંધપાત્ર પ્રમાણમાં જથ્થો હતો અને તેમાં વરસાદ પણ સારો થતા જિલ્લાના મુખ્ય 12 ડેમમાં પાણીની કુલ જિવંત જળ સંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે આજે જ્યારે શિયાળો હવે જ્યારે પૂરો થવામાં છે ત્યારે જળાશયોમાં 257.30 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે એટલે કે લાઇવ સંગ્રહ ક્ષમતા 55.67 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે.આમ આ વર્ષે ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટ્યો છે. જેથી ઉનાળામાં ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પાણીની સમસ્યા સર્જી શકે તેમ છે.