Gujarat

ભાવનગરની મીલમાં મોડી રાત્રિએ ભીષણ ધડાકો,  કોલસા અને લોખંડનો ગરમ રસ મજૂરો પર પડ્યો

ભાવનગર(Bhavnagar): ભાવનગરમાં સિહોર નજીક ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં અરિહંત ફરનેશ ફેકટરીમાં (Arihant Furnace Factory) ગત મોડી રાત્રે દુર્ઘટના સર્જાવાથી ચકચાર મચી ઉઠયો હતો. રાત્રિના 12 વાગ્યે ભઠ્ઠીમાં કોઈ કારણોસર બ્લાસ્ટ (Blast) થયો હતો. જેમાં કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તેમજ બ્લાસ્ટના કારણે દોડધામ મચી જતા 12 મજૂરો (Labors) ગંભીર રીતે દાઝ્યા હતા. પરંતુ આ ધટનાના પગલે કોઈ જાનહાની થઈ ન હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં આવેલી અરિહંત ફરનેશ ફેક્ટરીમાં ગત રાત્રીના 12 વાગ્યે ભઠ્ઠીમાં બળતણ નાખતા અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. ફેકટરીમાં 17 જેટલા મજૂરો કામ કરતા હોય અને અચાનક બ્લાસ્ટ થતા કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તે મજૂરો પર પડ્યો હતો.

બ્લાસ્ટની ઘટનાથી ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી હતી. 12 જેટલા મજૂરો દાઝી જતા તાકીદે આ બનાવની જાણ 108 ને કરતા ભાવનગર, નારી, સિહોર, વલ્લભીપુર સહિતની પાંચ 108 એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી અને તાકીદે દાઝેલા મજૂરોને સારવાર માટે સિહોર તથા ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ હોસ્પિટલમાં થયેલી હોવાથી સારવાર માટે સ્ટ્રેચર સાથે સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યાં હતાં. બ્લાસ્ટનું કારણ હજું સુઘી જાણી શકાયું નથી. સદ્ ભાગ્યે મજૂરોએ ફેક્ટરીમાં કામ કરતા સમયે હેલ્મેટ, બુટ સહિતની સેફટી સાથે કામ કરતા હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top