ભરૂચ: ભરૂચના (Bharuch) એક અંડરપાસ પાસે એક બાળક (Child) એવું કામ કરી રહ્યો હતો કે ચારેતરફ તેની વાહવાહી થઇ ગઈ. હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) ભારે ચર્ચામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હાલ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. તેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત નથી. ભરૂચમાં કલેક્ટર કચેરી પાસેના અંડરપાસમાં વરસતા વરસાદ વચ્ચે લાઈનબંધ ગોઠવેલી વાહનોની નંબર પ્લેટ જોવા મળી. લાઈનબંધ નંબર પ્લેટ ગોઠવેલી જોઈને ત્યાંથી પસાર થનારા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. અનેકોના મનમાં સવાલો ઊઠ્યા. ત્યાંથી પસાર થતા દરેક લોકોએ જોયું કે, બાળકો પાણીમાં પડેલી નંબર પ્લેટ ઊંચકીને અંડરપાસની એક બાજુ લાઈનમાં ગોઠવતા હતા.
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં બાળકો જીવના જોખમે અંડરપાસમાં વાહનોના કાફલા વચ્ચે જતા અને રોડ પર પડેલી નંબર પ્લેટ ઊંચકીને લઈ આવતા. ત્યારે લોકોએ બાળકોને આ વિશે પૂછ્યું તો જે જવાબો મળ્યા તે સાંભળીને સૌને આશ્ચર્ય થયું હતું. ટાબરિયાઓએ પાણીમાંથી એક પછી એક ૫૦થી વધુ નંબર પ્લેટ શોધી કાઢી તેની ફૂટપાથ ઉપર કતાર બનાવી હતી. જે બે ટાબરિયા નંબર પ્લેટ ઊંચકવાનું કામ કરતા હતા તેઓએ કહ્યું કે, વરસાદના પાણીમાં અનેક નંબર પ્લેટ તૂટીને પડી હતી. આ નંબર પ્લેટ જો તૂટીને રસ્તા પર ફેલાય કે ગટરમાં ફસાઈ જાય તો અન્ય વાહનોનાં ટાયરને પણ નુકસાન જાય. તો બીજી તરફ વાહનચાલકોને પણ તેમની ખોવાયેલી નંબર પ્લેટ ફરી મળી જાય.
તંત્રની રાહ જોયા વિના પારડી હાઇવે પર યુવાનોએ ખાડા પુરાવાની કામગીરી શરૂ કરી
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 પર ઠેર ઠેર ખાડાઓને લઈ વાહનોના ટાયરો ફાટતા અકસ્માતમાં મૃત્યુની ઘટના સર્જાવવાની બૂમ સાથે સોશિયલ મીડિયામાં એક યુવાને વિડિયો પણ વાયરલ કર્યો હતો. પારડી ખડકીથી ચંદ્રપુર પાર નદી સુધી ખાડા પુરવાનું અભિયાન પારડીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘વી બિલોંગ ટુ કિલ્લા પારડી’ એફબી ગ્રુપ પર રાકેશ રાણા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
ખાડા પૂરવા માટે ‘વી બિલોંગ ટુ કિલ્લા પારડી’ એફબી ગ્રુપ પર રાકેશ રાણા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેના આધારે વીએચપી બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા સમિતિ પારડી તથા નગરના જાગૃત યુવાનો જોડાયા હતા. પાલિકાના શાસક પક્ષના નેતા દેવેન શાહના સહયોગથી બિલ્ડર જતીન દેસાઈ દ્વારા અપાયેલા મટીરીયલથી હાઇવેના ખાડાઓના પુરાણ કામગીરી જાગૃત યુવાનોએ સાંજે છ થી રાત્રિના નવ વાગ્યા સુધી હાથ ધરી હતી.