ભરૂચ: ભરૂચના (Bharuch) ત્રણ કૂવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં નજીવા મુદ્દે બે મહિલા સહિત ૬ ઇસમે એક મહિલાને માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ (Police Complent) નોંધાવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભરૂચના ત્રણ કૂવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં વસંતીબેન મહેશ વસાવા ગતરોજ પોતાના ઘરમાં આવેલી દુકાનમાં બેઠાં હતાં. એ વેળા નજીકમાં રહેતા ગણેશ મેલાભાઈ વસાવા, રોહિત મેલાભાઈ વસાવા અને વિકાસ દશરથભાઈ વસાવા, વિશાલ દશરથભાઈ વસાવા ત્યાં આવી અપશબ્દો ઉચ્ચારી ‘તારો છોકરો ક્યાં છે તેને પતાવી દેવો છે’ તેમ કહી માથાકૂટ કરી હતી. જે ઝઘડાનું ઉપરાણું લઇ કાળી મેલાભાઈ વસાવા, રમીલાબેન વસાવા પણ ત્યાં આવી ગયા હતા અને તમામે ભેગા મળી મહિલાના વાળ પકડી દીવાલમાં અથડાવી માર મારતાં ઈજાગ્રસ્ત થઇ ગયાં હતાં. તેણીને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મારામારી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભરૂચમાં જમવાનું લેવા ગયેલી તરુણીની છેડતી કરતા ચાર યુવાન સામે ગુનો દાખલ
ભરૂચ: ભરૂચના એક ગામની તરુણી તેના મામાના પુત્ર સાથે હોટલ પર પાર્સલ લેવા ગઇ હતી. એ વેળા તુલસીધામ વિસ્તારના એક યુવાન અને તેના સાગરિતોએ તેણીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઉપરાંત એક્ટિવા પર તેમનો પીછો કરી અશ્લીલ હરકતો કરતાં મામલો ગરમાતાં ચારેય છેલબટાઉ યુવાનોએ તરુણી અને તેના ભાઇ પર હુમલો કરતાં આખો બનાવ ભરૂચ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે.
ભરૂચ શહેરને અડીને આવેલા એક ગામમાં રહેતી અને અભ્યાસ કરતી તરુણી ગઇકાલે રાત્રિના સમયે તેના મામાના પુત્ર સાથે હોટલ ખાતે ગઇ હતી. જ્યાંથી તેમણે પાર્સલ ખરીદી તેમની ગાડી પર પરત ઘર તરફ આવી રહ્યા હતા. એ વેળા તુલસીધામ ખાતે રહેતો ઋષભ વસાવા તેમજ મહાદેવનગરનો સ્વપ્નિલ તથા અન્ય બે સાગરિતે અલગ અલગ એક્ટિવા પર તેમનો પીછો કરવા સાથે ચાલુ ગાડીએ તરુણીને અશ્લીલ હરકત કરી હેરાન કરતા હતા. જેના પગલે તરુણીએ તેમજ તેના ભાઇએ તેમને ટોકવા જતાં ચારેય ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો.
દરમિયાનમાં ઋષભે તેની પાસેની તલવારથી મારી ઇજા કરી હતી. બંનેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવને પગલે તરુણીએ ભરૂચ સી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.