ભરૂચ: ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડ ચોક વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે ફોરવ્હીલ ગાડીની મોપેડ સવાર ઇસમે ઓવરટેક (Overtake) કરવાના માટે શરૂઆતમાં ગાડીચાલક સાથે બોલાચાલી થઈ અને બાદમાં એક બાદ એક ત્રણ જેટલાં વ્યક્તિ ઉપર છથી વધુ ઈસમોના ટોળાએ લાકડાના સપાટા વડે હુમલો (Attack) કરતાં ઈજાગ્રસ્તોને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસમથકે (Police Station) ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહંમદ યુસુફ મોટરસાઇકલ લઈ ઐદ્રુસ બાવાની દરગાહે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન ચોક વિસ્તારમાં XUV કારની ઓવરટેક કરવા મામલે કારચાલક અને મહંમદ યુસુફ વચ્ચે પ્રથમ બોલાચાલી અને બાદમાં મારામારીની ઘટના સર્જાઈ હતી. દરમિયાન મોહંમદ યુસુફ દ્વારા તેના મિત્ર વસીમને મામલા અંગેની જાણ કરતાં વસીમ અને તેના મિત્ર ચોક ખાતે દોડી ગયા હતા. ત્યાં થઈ રહેલી મારામારીમાં વસીમ ખંડેરાવ અને તેનો મિત્ર વચ્ચે છોડાવવા માટે પડતાં હશમી ચોક્સી, ઇમરાન ડોક્ટર, અયાઝ મલેક, લવલી ટેલર દુકાનનો માલિક, ઝુબેર કુલ્ફીવાલા સહિતના ઈસમોના ટોળાએ એક બાદ એક લાકડાના સપાટા વડે મોહંમદ યુસુફ સહિતના ત્રણ ઈસમો ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ભરૂચ બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે 5 ઈસમ સહિતનાં ટોળાં સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
નાંદીડા ચાર રસ્તા પાસે દૂધના ટેન્કરે મોપેડને ટક્કર મારતાં પિતા-પુત્રને ઇજા
બારડોલી : બારડોલી કડોદરા રોડ ઉપર બારડોલીના નાંદીડા ચાર રસ્તા પાસે દૂધ ભરેલા ટેન્કરે મોપેડને ટક્કર મારતા પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. બંનેને ગંભીર ઇજા થતાં તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાનાં પીપોદરા ખાતે પ્રીમીયર પાર્ક સ્થિત શ્રીજી ક્રાફ્ટ કંપનીમાં રહીને ત્યાં નોકરી કરતાં નવીનભાઈ માસાભાઈ ચૌધરી (ઉ.વર્ષ 42, મૂળ રહે સાલૈયા, તા. માંડવી, જી.સુરત)ની ફોઇનું અવસાન થતાં ગઇ તારીખ 26મીના રોજ તેઓ તેમના પુત્ર સ્મિત (14) સાથે મોપેડ પર પીપોદરાથી સાલૈયા ગયા હતા. ફોઇની અંતિમ વિધિ પૂર્ણ કરી તેઓ છોકરા સાથે બારડોલી આરટીઓમાં કામ અર્થે ગયા હતાં પરંતુ, આરટીઓ કચેરી બંધ હોવાથી બંને પીપોદરા જવા માટે બારડોલીથી કડોદરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નાંદીડા ચાર રસ્તા પાસે એક દૂધના ટેન્કર નંબર જીજે 5 બીએક્સ 6630ના ચાલકે તેમની મોપેડને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રને ઇજા પહોંચતા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર સ્થળ પર મૂકીને નાસી છૂટ્યો હતો.