ભરૂચ: (Bharuch) છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) પગલે ભરૂચ નજીક નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી છે. ભરૂચ નજીત નર્મદાના જળસ્તરમાં સતત વધારો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ત્યારે નર્મદા નદીના મધ્યમાં આવેલા નિકોરા બેટમાં ( Nicora Bat) ૧૦૦થી વધુ લોકો ફંસાયા હતાં.જેની જાણ પોલીસને (Police) થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું છે. હાલ આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર પણ એલર્ટ છે.
નિકોરા બેટ પર ૧૦૦થી પણ વધુ લોકો ફંસાયા હોવાની જાણકારી પોલીસને મળી
અવિરત વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી ૨૬ ફૂટે પહોંચી છે. ભયજનક સપાટીથી ૨ ફૂટ ઉપર નર્મદા નદી વહી રહી છે. જેને પગલે ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલા નિકોરા બેટની ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સ્થાનિકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. નિકોરા બેટ પર ૧૦૦થી પણ વધુ લોકો ફંસાયા હોવાની જાણકારી પોલીસને મળી હતી.
નર્મદા નદી હાલ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ
જે બાદ આ સ્થિતિની જાણ થતાં જ નબીપુર પોલીસની ટીમે બોટ લઈને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે બચાવકાર્ય હાથ ધર્યું હતું.નર્મદા નદી હાલ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. ત્યારે નિકોરા બેટ પર ફંસાયેલા ૧૦૦થી વધુ લોકો માટે પોલીસ દેવદૂત બનીને પહોંચી હતી. પોલીસે ફસાયેલા લોકોને મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. જેમાં પોલીસે બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડ્યા છે. ત્યારે પોલીસની આ રેસ્ક્યુ કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નદીના ધસમસતા પ્રવાહમાં પોલીસની ટીમે બોટ લઈને તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હોવાનું જોવા મળે છે.
નર્મદાના સતત જળસ્તર વધતા 800 લોકોનું સ્થળાંતર
અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં પાણીનું સ્તર વળતા ભરૂચ જિલ્લામાંથી ૮૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જેની સાથે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. રેવાના રૌદ્ર સ્વરૂપના કારણે જિલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે.