ભરૂચ: ભરૂચમાં (Bharuch) સંબંધીને ત્યાં દુખદ પ્રસંગમાં આવેલું દંપતી નર્મદા મૈયા બ્રિજ (Narmada Maia Bridge) ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યું હતું. એ દરમિયાન ચાલકે પોતાની બાઈક રોકી પત્નીની નજર સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ (Jump) લગાવી હતી. જેનો મૃતદેહ ચાર દિવસ બાદ મકતમપુરના નર્મદા નદીના કાંઠા પરથી મળી આવ્યો છે.અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી.સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની મોટરસાઇકલ સાથે પોતાની પત્નીને લઈને પરત અંકલેશ્વર જીતાલી ગામ જઈ રહ્યા હતા.
સતત ચાર દિવસથી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો
દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી વેળા મોટરસાઇકલ ચાલકે પોતાની મોટરસાઇકલ રોકી લઘુશંકા કરવાના બહાને નર્મદા નદીના બ્રિજ ઉપરથી જ પત્નીની નજર સામે જ મોતની છલાંગ લગાવી હતી. એ જોતાં જ પત્નીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. જો કે, એ સમયે કે.પી.સિંઘનો પત્તો લાગ્યો ન હતો. બાદ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનારની સતત ચાર દિવસથી શોધખોળ બાદ મકતમપુરના નર્મદા નદીના કાંઠેથી તેનો મૃત્યુ મળી આવતાં તેનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પણ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.
પાંચ દિવસ પહેલાં બાઇક લઈને નીકળેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
કામરેજ: પાંચ દિવસ અગાઉ ગુમ થયેલા કઠોદરા એચ.આર.પી. રેસિડેન્સીમાં રહેતા રત્નકલાકારનો ભૈરવ ગામથી મૃતદેહ મળી આવ્યો હતો.મૂળ જામનગર જિલ્લાના બાલવાના વતની અને હાલ કામરેજના કઠોદરા ખાતે આવેલી એચ.આર.પી. રેસિડેન્સીમાં ફ્લેટ નંબર બી-9માં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા જશમીન જગદીશ પરસાણીયા (ઉં.વ.31) ગત તા.1 જાન્યુઆરીએ રવિવારની રજા હોવાથી નાનાભાઈ ભાસ્કર અને મિત્રો સાથે બહાર ફરવા માટે ગયા હતા.
મોત નીપજ્યું એ અંગેનું રહસ્ય પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે
બપોરે ઘરે આવી ગયા હતા. આરામ કરીને સાંજે 4 કલાકે પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નં.(જીજે 05 એનજી 8006) લઈને ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયા હતા. મોડી રાત્રિના 11 કલાક સુધી ઘરે ન આવતાં મોબાઈલ પર સંપર્ક કરતાં ફોન રિસીવ પણ ન કરતાં તપાસ કરતા કોઈ પણ જગ્યાએ ભાળ કાઢતાં ન મળી આવતાં કામરેજ પોલીસમથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે સવારે 10.30 કલાકે ભૈરવ ગામની હદમાં તાપી નદીના કિનારે વડના થડ પાસે મોટરસાઇકલની બાજુમાં મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, કયાં કારણોથી યુવાનનું મોત નીપજ્યું એ અંગેનું રહસ્ય પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.