ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં માલધારી સમાજે (Maldhari Society) ઓસરા રોડ હનુમાનજી મંદિરેથી (Hanuman Temple) વાહનો તેમજ કેન સાથે ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર સુધી રેલી કાઢી હતી. ૫૦ હજાર બાળકોને ચાલે એટલું 10 હજાર લીટર દૂધથી નદીમાં અભિષેક કરી પ્રચંડ વિરોધ (Opposition) નોંધાવ્યો હતો.ઢોર નિયંત્રણ બિલને (Control Bill) લઈ સમગ્ર ગુજરાતભરમાં માલધારી સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. એ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામી બુધવારે દૂધ નહીં ભરવાનું માલધારી સમાજના સંતો-મહંતોએ એલાન આપ્યું હતું. જેના કારણે રાજ્યની વિવિધ ડેરીઓમાં દૂધ નહીં ભરવાનું એલાન માલધારી સમાજે આપ્યું હતું. ભરૂચ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાથી માલધારીઓ દૂધના કેન સાથે નર્મદા ચોકડી થઈ રેલી સ્વરૂપે નીલકંઠેશ્વર મંદિરે નદી કિનારે પહોંચ્યા હતા.
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે હજારો લીટર દૂધ અભિષેક
જ્યાં ગરીબોને દૂધ આપવા સાથે નર્મદા મૈયાને હજારો લીટર દૂધનો અભિષેક કરી ઢોર નિયંત્રણ બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.બુધવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે હજારો લીટર દૂધ અભિષેક માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા. સમાજના આગેવાનોએ દાવો કર્યો હતો કે, અંદાજે ૧૦ હજાર જેટલા દૂધનો નર્મદા નદીમાં અભિષેક કરાયો હતો. આટલું દૂધ ૨૦૦ મિલી પ્રમાણે ગણીએ તો ૫૦ હજાર બાળકોને ચાલે એટલું ગણાવી શકાય.
ભરૂચ દૂધધારા ડેરીમાં દૂધની આવકને કોઈ અસર જ નહીં
ભરૂચ દૂધધારા ડેરીના સંચાલકે જણાવ્યું હતું કે, તેમની પાસે આજે રોજિંદા પ્રમાણે જ દૂધનો જથ્થો આવ્યો હતો. માલધારીઓના દૂધ બંધના એલાનની કોઈ અસર પડી નથી. આગામી સમયમાં પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજાને દૂધની જરૂરિયાત પૂર્ણ કરવા વિશેષ આયોજન ડેરી દ્વારા કરાયું છે.
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં મઢી બંધને મિશ્ર પ્રતિસાદ
બારડોલી: માલધારી સમાજ દ્વારા ચાલી રહેલ લડતની અસર સુરત જિલ્લામાં પણ અસર જોવા મળી હતી. બારડોલીના મઢી ખાતે માલધારી સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે બજારના કેટલાક વેપારીઓએ આજરોજ દુકાનો બંધ રાખતાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.મઢી ગામે માલધારી સમાજ દ્વારા બુધવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા વ્યાપારીઓને સમર્થન માટે શાંતિપૂર્ણ રીતે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બુધવારે મઢીના કેટલાક વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા. માલધારી સમાજ વહેલી સવારે દુકાનો નહીં ખૂલે એ માટે સંખ્યામાં બજારમાં એકત્ર થયો હતો.