ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ બાયપાસ રોડ પર આવેલા મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન (London), કેનેડા (Canada) મોકલવાના બહાને 6થી વધુ લોકો સાથે રૂ.63.50 લાખની છેતરપિંડી (Fraud) કરી હોવાનો બીજો ગુનો પોલીસ મથકે નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે આવેલી સ્વપ્નશ્રુતિ રેસિડેન્સીમાં ગુણવંત નગીનદાસ કનૈયા તેમના દત્તક લીધેલા પુત્ર ભાવિન પંકજ પરમાર અને તેનો ભાઈ ચિરાગ સાથે રહે છે. જેઓ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેરમાં મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ચલાવે છે.
યુ.કે.,કેનેડા સહિતના PR તેમજ વિઝા માટે તેઓનો લોકોએ સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી 45 લોકો સાથે વિઝાના નામે લાખોની ઠગાઈની એક ફરિયાદ એ ડિવિઝન નોંધાઇ ચુકી છે. ત્યારબાદ વધુ એક રૂ.63.50 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.
ભરૂચના હુસેનિયા વિસ્તાર મદની પાર્કમાં રહેતા રૂકૈયાબાનું પટેલે તેમના પુત્ર સાબિર અને પુત્રીને વિદેશ મોકલવા મીરા ઇન્ટરનેશનલના બે ભાઈઓ અને તેના પાલક પિતાને લાખો રૂપિયા આપ્યા હતા. તેવી જ રીતે અન્ય વિદેશ જવા ઇચ્છુકો સૂફીયા, અફરોઝ, ફરહાના અને ધર્મિષ્ઠાએ પણ વિદેશના વિઝા માટે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં આરોપીઓએ બોગસ વિઝા આપી ઠગાઈ કરી હતી. વિઝા નહિ અપાવી તેમજ પૈસા પરત નહિં કરતા આ ઠગ પિતા-પુત્રો સામે એ ડિવિઝન પોલીસ મથકે બીજો ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચની મીરા ઇન્ટરનેશનલ ફ્રોડ હોવાથી તેના ડોક્યુમેન્ટ લેવાનું ગત 3 વર્ષથી બંધ
જાન્યુ. મહિનામાં કરજણના માંકણ ગામના મુબારક યુસુફ પટેલ પોતાના પુત્ર મીનહાઝના વિઝા માટે મળ્યા હતા. પિતા-પુત્રને 15 લાખનો ખર્ચ અને મહિનામાં વિઝા અપાવવાનો ભરોસો આપ્યો હતો. જે બાદ મુબારક ભાઈએ પુત્રના લંડનના વિઝા માટે 6 અને 4 લાખ મળી કુલ 10 લાખ આ મીરા ઇન્ટરનેશનલના સંચાલક પિતા-પુત્રના ખાતામાં જમા કરાવ્યા હતા.
જો કે, વિઝાના નામે જૂન સુધી માત્ર વાયદા જ આપવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા અંતે યુ.કે.ના વિઝાનો લેટર અપાયો હતો. જેની સંબંધિત મારફતે તપાસ કરાવતા યુ.કે.એમ્બેસીએ આ લેટર બોગસ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. સાથે જ ભરૂચની મીરા ઇન્ટરનેશનલ ફ્રોડ હોય તેના ડોક્યુમેન્ટ અને ફાઇલ લેવાનું 3 વર્ષથી બંધ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.