Dakshin Gujarat

પરિવર્તન સંકલ્પ યાત્રામાં જંબુસરના કોંગ્રેસી ધારાસભ્યને બાઇક ઉપરથી ફેંકી દેવાયા

જંબુસર : ભરૂચ (Bharuch) જિલ્લામાં જંબુસરથી મંગળવારે શરૂ થયેલી કોંગ્રેસની (Congress) પરિવર્તન સંકલ્પ યાત્રાના પ્રારંભે જ વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમોદ તરફ રેલી સ્વરૂપે આવી રહેલા જંબુસરના કોંગી MLA સંજય સોલંકીને બાઇક (Bike) ઉપરથી ફેંકી દઇ હુમલો કરાતા યાત્રામાં ભારે અંધાધુંધી ફેલાઈ હતી. કોંગી ધરાસભ્યે પોતાના ઉપર હુમલો જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઈશારે ટિકિટ વાંચ્છુકોએ કર્યો હોવાનો આક્ષેપ લગાવતા હવે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક તડફડ હોવાના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા બાઇક અને કાર રેલી સ્વરૂપે આમોદ તરફ આગળ વધી હતી. ધારાસભ્ય સંજય સોલંકી બાઇક ઉપર સવાર હોય ત્યારે તેમના ઉપર અચાનક હુમલો કરવામાં આવતા અરાજકતા અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્યને બાઇક ઉપરથી ફેંકી દેવામાં આવ્યા હતા.

  • પરિવર્તન સંકલ્પ યાત્રામાં જંબુસરના કોંગી ધારાસભ્ય ઉપર હુમલો
  • જંબુસરથી આમોદ કાર અને બાઇક સ્વરૂપે યાત્રા આગળ વધતા કોંગી MLAને બાઇક ઉપરથી ફેંકી દેવાયા

ટિકિટ વાંચ્છું આમોદ તાલુકાના કોંગ્રેસના આગેવાન ઉસ્માન મીંડી સહિતના દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી હતી. યાત્રામાં ધારાસભ્ય સંજય સોલંકી હાય હાય ના નારા પણ લગાવવામાં આવ્યાં હતાં. ધારાસભ્યએ તેમના ઉપર હુમલો જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, ઉસ્માન મીંડીએ કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેઓને યાત્રાના બદલાયેલા રૂટ અંગે પણ જાણકારી નહિ આપી હોવાનો રોષ વ્યકત કરી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ આરંભી હોવાની હૈયા વરાળ ઠાલવી છે.

આ ઘટના પહેલા કોગ્રેસની દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ જંબુસરથી કરાયો હતો. જંબુસર સ્વામીનારાયણ મંદિર સભાખંડમા મતવિસ્તારના કાર્યકરોનુ સ્નેહમિલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેરા, સોશ્યલ મીડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ સુપ્રિયા શ્રીન્તે, રાજસ્થાનના મંત્રી તથા ભરૂચ જીલ્લા પ્રભારી ગોવિંદ મેઘવાલ, દક્ષિણ ગુજરાત પ્રભારી સચિવ બી.એન્ડ.સંદીપ, તુષાર ચૌધરી, પરિમલસિંહ રણા, ધારાસભ્ય સંજય સોલંકી સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત અગાઉ સુપ્રિયા શ્રીન્તે યોજેલ પત્રકાર પરિષદમા ગુજરાતની ચુંટણી નિર્ણાયક બનવાની તેમ કહી મોરબીની ઘટનામાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

Most Popular

To Top