ભરૂચ: (Bharuch) વાગરાની ભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ પ્રાગજી પરમાર ભેરસંમ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા.૨૪ સપ્ટેમ્બરે પોતાની બાઈક (Bike) લઇ વડોદરા જવા નીકળ્યા હતા. જેઓ પોતાની બાઈક ભરૂચના જી.એન.એફ.સી. બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી એસ.ટી. બસમાં બેસી વડોદરા ખાતે ગયા હતા. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેમની રૂ.૪૫ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાહન ચોરો ઇક્કો કારની ચોરી કરી ફરાર
જ્યારે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલા બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા સુરજીતસિંઘ ગીંડારામ ખારિયાએ ગત તા.૨૦ સપ્ટેમ્બરે પોતાની ઇક્કો કાર પોતાના એપાર્ટમેન્ટમાં પાર્ક કરી હતી. એ દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેમની ૪ લાખની ઇક્કો કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કાર ચોરી અંગે જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહુવાના કરચેલિયામાં તસ્કરોનો આતંક : બે મોટરસાઇકલની ઉઠાંતરી
અનાવલ: મહુવા તાલુકામાં તસ્કરો બેફામ બની ચોરીના ગુનાએ અંજામ આપી રહ્યા છે, ત્યારે તાલુકાના કરચેલિયા ખાતે કાર લઈ ત્રાટકેલા તસ્કરો બે મોટરસાઇકલની ઉઠાંતરી કરી જતાં મહુવા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાનાં ગામોમાં ફરી તસ્કરો સક્રિય થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેને લઈ ફરી તાલુકાની જનતાની ઊંઘ હરામ થઈ ગઈ છે. કરચેલિયા ગામે ગત રાત્રિના 3 વાગ્યાના અરસામા ઈકો કાર લઈ ત્રણથી વધુ અજાણ્યા તસ્કરો જૈન ફળિયામાં ત્રાટક્યા હતા. અને કરચેલિયા જૈન ફળિયામાં રહેતાં કિરણ પટેલ અને સુનીલ ધોબીની ઘરની સામે પાર્ક કરેલી મોટરસાઇકલ દૂર સુધી ઘસડી ગયા હતા.
નાઈટ પેટ્રોલિંગ સામે પણ ગ્રામજનોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા
અને મોટરસાઇકલ ચાલુ કરી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. એક જ રાત્રિમાં અજાણ્યા તસ્કરો બિનધાસ્ત રીતે ફળિયામાં પ્રવેશી બે મોટરસાઇકલની ચોરી કરી પલાયન થઈ જતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. તો બીજી બાજુ મહુવા પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ ગ્રામજનોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા. ત્યારે મહુવા પોલીસ સજાગ બની નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરી તસ્કરોને સત્વરે પકડી ગ્રામજનોને ભયમુક્ત કરે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કરચેલિયા ખાતે ત્રણ જેટલા તસ્કરો ત્રાટકવાની સાથે બે મોટરસાઇકલ ઉઠાવી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ બનાવ અંગે મહુવા પોલીસે તસ્કરો સુધી પહોંચવા સમગ્ર બનાવની વિગતો ભેગી કરી કવાયત હાથ ધરી છે.