ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના નાના ખાટકીવાડમાંથી બી ડિવિઝન પોલીસે 410 કિલો ગૌમાંસ (Beef) સાથે 4 ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાનોલીમાં પણ ટેકરા ફળિયામાં દરોડામાં 490 કિલો ગૌમાંસ સાથે 4 ઈસમને પકડી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ (Police Staff) પેટ્રોલિંગમાં (Patrolling) હતો. દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચના નાના ખાટકીવાડમાં રહેતો અબ્દુલ હક્ક અબ્દુલ અઝીઝ કુરેશી પોતાના ઘરે ગાયની કતલ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કતલ કરેલ બે ગાયનું માંસ અને બે છરા, સળિયો સહિતનાં સાધનો કબજે કર્યાં હતાં અને બે ગાયનું માંસ મળી કુલ 410 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કર્યો હતો.
પશુચિકિત્સકે આ જથ્થો ગૌમાંસ હોવાનો અભિપ્રાય આપ્યો
પોલીસે પશુચિકિત્સકને સ્થળ પર બોલાવતાં તેમણે તમામ જથ્થો ગૌમાંસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. બી ડિવિઝન પોલીસે મદીના હોટલ પાસે નાના ખાટકીવાડ ખાતે રહેતો અબ્દુલ હક્ક અબ્દુલ અઝીઝ કુરેશી, ઈસ્માઈલ અબ્દુલ અઝીઝ કુરેશી, ફહીમ જુબેર મરચંદ,એઝાઝ સલીમ કુરેશીને ઝડપી પાડી તમામ ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
9 છરા, કુહાડી, સળિયા, વજન કાંટા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
પાનોલી પોલીસે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ટેકરા ફળિયામાંથી ગૌમાંસના જથ્થા સાથે 4 ઈસમને રૂપિયા 61 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ટેકરા ફળિયામાં રહેતો અજીજ મહમંદ ગુલામશા દિવાન પોતાના ઘરની પાછળ ગૌવંશનું કતલ કરી રહ્યો છે, એવી બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 કુહાડી, 7 છરા અને વજન કાંટો તેમજ 490 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કર્યો હતો.તમામ જથ્થો ગૌમાંસ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલૂમ પડતાં પોલીસે તેનાં સેમ્પલ લઇ એફ.એસ.એલ. સુરત ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા અને ગૌમાંસ તેમજ 3 ફોન, સાધનો મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાથે જ અજીજ મહમંદ ગુલામશા દિવાન, બસીર ઈસ્માઈલ ગુલામ દિવાન, અફજલ અજીજ મહમંદ દિવાન અને ઈમ્તિયાઝ ઐયુબ મહમંદ નૌરાતને ઝડપી પાડી તમામ ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.