ભરૂચ: ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લામાં અનેક વિકાસનાં કામો થાય છે. પરંતુ તેના લોકાર્પણ માટે ઘણો સમય વિતી જવા છતાં લોકો સુવિધાથી વંચિત રહેતા હોય છે. હાલમાં સાંસદ મનસુખ વસાવાએ (MP Mansukh Vasava) મુખ્યમંત્રીને પત્ર લખી અશા માલસર બ્રિજ (Asa Malsar Bridge) તથા ડેડીયાપાડા સરકારી હોસ્પિટલનું તાત્કાલિક લોકાર્પણ કરવા જણાવ્યું છે.
સાંસદે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વડોદરા-ભરૂચ જિલ્લાને જોડતો નર્મદા નદી ઉપર અશા બ્રિજની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજની બંને બાજુ વાહનો સરળતાથી ચાલે તેવા રોડ પણ તૈયાર છે. નવો પહોળો માર્ગ બનાવવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડે તેમ છે અને જે કાર્યને એક વર્ષનો સમય લાગે તેમ છે તેથી બ્રિજની હાલની જે સ્થિતિ છે. તે જ સ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરી વડોદરા તથા ભરૂચ વિસ્તારના પ્રજાજનો માટે ખુલ્લો મુકવા વિનંતી છે.
ઉપરાંત, ડેડીયાપાડા તાલુકાનું સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગનું કામ પૂર્ણ થયાના છ મહિના થઈ ગયા છે. હાલની જૂની હોસ્પિટલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ચોમાસામાં તો બિલકુલ દયાજનક સ્થિતિમાં દર્દીઓ તથા ત્યાંનો સ્ટાફને દયાજનક સ્થિતિમાં મુકાવું પડે છે. તેથી આ હોસ્પિટલનું લોકાર્પણ કરી પૂરતા સ્ટાફ તથા પૂરતા મેડિકલના સાધનો અને દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક વહેલી તકે થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
અશા અને માલસર વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર
ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામો વચ્ચે નાવડીઓ મારફતે લોકો અવરજવર કરે છે. ઝઘડિયા તાલુકાના ગામોમાંથી વડોદરા તરફ જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવું પડતું હોય છે. તેથી બાઇક કે સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરે છે. રાજ્ય સરકારે અશા અને માલસર વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો છે. 3.5 કિલોમીટરની લંબાઇ અને 16 મીટરની પહોળાઇ ધરાવતાં આ બ્રિજનો 900 મીટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મીટર અને માલસર સાઇડ 2 કિલોમીટરનો ભાગ છે.
બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી, પૂર્વભાગમાં નેત્રંગ, ડેડિયાપાડા, ઉપરાંત મહારાષ્ટ્રથી આવતા વાહનવ્યવહારને સરળતા થશે. આ બ્રિજના કારણે વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ જવા માટે 20 કિમીનું અંતર ઓછુ થઈ જશે. બ્રિજને 16 પિલ્લર પર ઉભો કરાયો છે. નવો બ્રિજ હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. લોકો તેના લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે.