ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના દહેજના સુવા ચોકડીથી ગલેન્ડા ગામ જવાના રોડ ઉપર આવેલા આદિત્ય ઇન્ફ્રા (Aditya Infra) કંપનીના ક્વોલિટી ઇનચાર્જનું દેવું વધી જતાં તેણે બે ઈસમ સાથે લૂંટની (Robbery) ઘટના ઘડી કાઢી રૂ.૪.૧૨ લાખ ચાઉં કરી જતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.મૂળ ઉત્તર ગુજરાતના મોડાસા અને હાલ ભરૂચની જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી સ્ટાર હાઈટ્સમાં રહેતા ઇમરાન હુસેન ઇકબાલ ડમરી અન્ય ત્રણ ભાગીદાર સાથે દહેજના સુવા ચોકડીથી ગલેન્ડા ગામ જવાના રોડ ઉપર આવેલા આદિત્ય ઇન્ફ્રા કંપનીનો કારભાર ચલાવે છે. જેઓની કંપની રેડીમીક્ષ કોન્ક્રીટ તૈયાર કરી વિવિધ કંપનીઓમાં પહોંચાડે છે. જેઓની કંપનીના ગ્રાહક વિશાલ એન્ટરપ્રાઈઝમાં પણ આ મટિરિયલ પહોંચાડવામાં આવે છે. જે માલ પેટે રૂ.૪.૧૨ લાખ રૂપિયા લેવાના થતા હોય તે રૂપિયા લેવા માટે ક્વોલિટી ઇનચાર્જ યશપાલ હસમુખ શિયાળ અને એકાઉન્ટટ એજાઝ આદમ પટેલ સાથે લેવા ગયા હતા.
ત્રણ લુંટારુઓએ કારને અટકાવી લૂંટ ચલાવી
દરમિયાન વિશાલ એન્ટરપ્રાઈઝના મેનેજર બી.એલ.પટેલનો આદિત્ય કંપનીના માલિક ઉપર ફોન આવ્યો હતો અને તેઓનો કેશિયર ફોન રિસીવ નહીં કરતો હોવાથી બે દિવસ પછી આપવાનું કહ્યું હતું. જેથી શુક્રવારના રોજ આદિત્ય ઇન્ફ્રા કંપનીના ક્વાલીટી ઇનચાર્જ અને ચાલક પવનસિંગ ઓમ પ્રકાશસિંગ રાણા નાણાં લેવા ગયા હતા. જે બાદ કંપનીના કારચાલક પવનસિંગનો કંપની હાર્દિક પટેલ ઉપર ફોન આવ્યો હતો અને કંપની પાસેની ચોકડી ઉપરના નાળા પાસે કારમાં આવેલા ત્રણ લુંટારુએ તેઓની કારને અટકાવી કારમાં રહેલા રૂ.૪.૧૨ લાખની લૂંટ ચલાવી અને યશપાલ શિયાળનો ફોન લઈ તેને ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી કંપનીના માલિક અને અન્ય કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
દેવું વધી જતાં તેણે લૂંટ અંગેનો પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો
આ બનાવની જાણ પોલીસને કરાતાં દહેજ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આદિત્ય કંપનીના ક્વોલિટી ઇનચાર્જ અને ચાલક તેમજ વિશાલ એન્ટરપ્રાઈઝના મેનેજરની પૂછપરછ કરતાં તેઓ ત્રણેય ભાગી પડ્યા હતા અને ક્વોલિટી ઇનચાર્જ યશપાલ શિયાળનું દેવું વધી જતાં તેણે લૂંટ અંગેનો પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ત્રણેય ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.