ગોરખપુર: ભગવદ ગીતા (Bhagavad Gita) સહિત સનાતન હિન્દુ ધર્મ માટે છેલ્લાં 100 વર્ષથી વિવિધ પુસ્તકોનું (Books) પ્રકાશન કરનાર સૌથી મોટી સંસ્થા ગીતા પ્રેસને (Gita Press) ગાંધી શાંતિ પુરસ્કાર આપવા મામલે વિવાદ છેડાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગીતા પ્રેસને આ પુરસ્કારની સાથે રૂપિયા 1 કરોડના રોકડ ઈનામની ગયા રવિવારે તા. 18મી જૂનના રોજ જાહેરાત કરાઈ હતી, ત્યાર બાદ આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ લીધું છે. ગીતા પ્રેસને પુરસ્કાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વખોડતા કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું કે, આ તો ગોડસે અને સાવરકરને ઈનામ આપવા જેવું છે.
તમને જણાવી દઈએ કે, સનાતન ધર્મનાં 92 કરોડ પુસ્તક છાપીને રેકોર્ડ બનાવનાર ગીતા પ્રેસ 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશનોમાંનું એક છે. ગીતા પ્રેસે 14 ભાષામાં 417 મિલિયન પુસ્તક પ્રકાશિત કર્યાં છે. ગઈ તા. 18 જૂને કેન્દ્ર સરકારે ગાંધી શાંતિ પુરસ્કાર 2023 ગીતા પ્રેસને આપવાની જાહેરાત કરી હતી. આ સાથે આ પ્રેસને એક કરોડનું માનદ વેતન આપવાની વાત પણ કહી હતી. ગીતા પ્રેસના બોર્ડે સોમવારે આ જાહેરાત કરી હતી કે ગીતા પ્રેસ ગાંધી શાંતિ પુરસ્કાર સ્વીકારશે પણ તેઓ માનવ વેતનને સ્વીકારશે નહિં.
ગીતા પ્રેસના મેનેજર લાલ મણિ તિવારીએ માનવ વેતન ન સ્વીકારવા અંગે કહ્યું હતું કે ગીતા પ્રેસે પોતાની શતાબ્દીમાં ક્યારેય આર્થિક મદદ કે દાન સ્વીકાર્યું નથી. ઉપરાંત માન-સન્માનમાં મળેલી પણ કોઈ રકમને સ્વીકારી નથી. ગીતા પ્રેસને 100મી વર્ષ ગાંઠ પર મળેલા આ સન્માન બદલ સંસ્થાના મેનેજર મણિ તિવારીએ PM મોદી અને CM યોગીનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે ‘આ સન્માન અમારા માટે આનંદની વાત છે.”
પીએમ મોદીએ રવિવારે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ પુરસ્કાર સમુદાય સેવામાં કરેલાં કાર્યોની પ્રશંસા કરવા સમાન છે. ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે માનવતાના સામૂહિક ઉત્થાનમાં યોગદાન આપવા માટે ગીતા પ્રેસના નોંધપાત્ર અને અનન્ય યોગદાનને માન્યતા આપવા માટે છે જે સાચા અર્થમાં ગાંધીવાદી જીવનશૈલીનું પ્રતીક છે.
ગીતા પ્રેસ પોતાની શતાબ્દીની ઉજવણી માટે એક મોટા કાર્યક્રમનું પણ આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં હાજરી આપશે. તેમના કાર્યક્રમને મંજૂરી મળી ગઈ છે, પરંતુ આ કાર્યક્રમ કઈ તારીખે યોજાશે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
દરમિયાન ગીતા પ્રેસને આ પુરસ્કાર આપવાના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને પીએમ મોદીની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કપટી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય સાવરકર અને નાથુરામ ગોડસેને અવોર્ડ આપવા જેવો છે.
ગીતા પ્રેસે જે 417 મિલિયન પુસ્તક પ્રકાશિત કર્યાં છે એમાંથી 16.21 કરોડ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ વર્ષે જ 2 કરોડ 42 લાખ પુસ્તક પ્રકાશિત થયાં છે. રામચરિતમાનસના રાજકીય વિવાદથી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ પુસ્તકો વેચાઈ ચૂક્યાં છે. આ ઉપરાંત પ્રેસની આવકમાં પણ વધારો થયો છે.