SURAT

ઓડિશા અને ઉત્તરભારતના કામદારોના પલાયન વચ્ચે હવે રત્નકલાકારોએ પણ હિજરત શરૂ કરી

સુરત: સુરત(surat)માં કોરોના સંક્રમણ (corona infection) ફરી એકવાર પીક પર પહોંચતા ટેક્સટાઇલ (textile) ઉદ્યોગમાં કામ કરતા ઉત્તરભારત અને ઓડિશા(odisha)ના વતની કામદારો વાયરસ વધુ વકરવાના ભયથી મૂળ વતનમાં પલાયન કરી રહ્યા છે. ઉત્તરભારત અને ઓડિશા જતી ટ્રેનો સુરત અને ઉધના સ્ટેશનોથી ભરાઇ ભરાઇને જઇ રહી છે. એવી જ રીતે ટેક્સટાઇલ કામદારો પાંડેસરા, સચિન, અમરોલી,કડોદરા, પલસાણાથી લક્ઝરી બસમાં વતને જઇ રહ્યા છે. સુરતની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને બેડ નહીં મળવા સાથે મૃતાંક વધતા હવે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો(diamond worker)એ પણ હિજરત શરૂ કરી છે.

વરાછા કુબેરનગર, પૂણા વિવેકાનંદ સોસાયટી સરદાર માર્કેટની સામે અને સરથાણા જકાતનાકાથી દિવસમાં 60 જેટલી લક્ઝરી બસ અમરેલી અને ભાવનગર જિલ્લાઓના ગામોમાં જઇ રહી છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે જે રત્નકલાકારો ભાડાના મકાનમાં રહે છે અને કોરોનાને લીધે જેમને કામ મળતું ઓછુ થયું છે. એવા રોજ 1000 રત્નકલાકારો વતને જઇ રહ્યા છે, કારીગરોમાં ભય દેખાઇ રહ્યો છે. અને જે રીતે સુરતમાં આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઇ છે તે જોતા સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કેટલાક રત્નકલાકારોના કોરોનાને લીધે મોત થતા તેમની જે પીડાઓ છે તે વાતો પણ રત્નકલાકારોના પરિવારો સુધી પહોંચતા વતનથી ફોન કરી પરિવારજનો તેમને સૌરાષ્ટ્ર તેડાવી રહ્યા છે. સુરતની સ્થિતિ વધુ વકરવાનો ભય પણ તેમને દેખાઇ રહ્યો છે. સૌથી મોટો ભય લોકડાઉનની અફવાઓને લઇ જોવા મળી રહ્યો છે.

ઉત્તરભારતના કામદારોના વતન જવાના કારણો કઇક જુદા છે

હાલ ઉત્તર પ્રદેશમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોવાથી સુરતમાં પરિવારજનો સાથે રહેતા કામદારોને મતદાન કરવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો ફોન કરી લલચાવી રહ્યા છે. ચૂંટણીઓનો માહોલ હોવાથી કારીગરો પણ વતને જઇ રહ્યા છે. સાથે સાથે ગામમાં ખેતીનું કામ અને લગ્નસરા પણ હોવાથી તેઓ સુરતમાં હાલની સ્થિતિ વચ્ચે વતને જવાનું વધુ સલામત માની રહ્યા છે. એક અંદાજ પ્રમાણે રોજ પાંચ હજાર કારીગરો ઉત્તરભારત જઇ રહ્યા છે એવીજ રીતે ઓડિશા જનારા કામદારોની સંખ્યા પણ વધુ છે.

કામદારોની હિજરત અટકાવવા ચેમ્બરે મુખ્યમંત્રી, નાણામંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી

સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી નાણામંત્રી નિતિન પટેલ અને કલેક્ટર ડૉ.ધવલ પટેલને પત્ર મોકલી સુરતમાં પરપ્રાંતિય કામદારોની હિજરત અટકાવવા માંગ કરી છે.અને છ મુદ્દાના સુચન કર્યા છે. જો કામદારો મોટી સંખ્યામાં પલાયન કરશે તો સુરતના ઉદ્યોગોને મોટો ફટકો પડી શકે છે.

ચેમ્બરે આ પાંચ મુદ્દાઓની રજૂઆત કરી

  1. સુરતમાં કારીગરો યુપી, બિહાર, ઓડિસા, ઝારખંડ જેવા રાજ્યમાંથી આવતા હોય અને પાછી જવાની શક્યતા હોય તેવા સંજોગોમાં કોવીડ-૧૯ નો પ્રસરવાની શક્યતા વધુ હોવાથી આંતરરાજ્ય બસ સર્વીસીસ આ રાજ્યોમાં તાત્કાલીક પેસેન્જર કેપેસીટી ઓછી કરવી.
  2. સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આક્રમક રીતે ઔદ્યોગિક કારીગરોનું ટેસ્ટિંગ અને વેક્સિનેશ હાથ ધરાવવું જોઈએ.
  3. સુરતમાં આવેલ તમામ લેબર કોલોનીમાં સેનીટાઈઝેશન યુધ્ધના ધોરણે થવુ જોઈએ.
  4. રાત્રે ૮:૦૦ થી સવારે ૬:૦૦ ના કરફ્યુ સમયગાળા દરમ્યાન પણ જે એકમો કોવીડ-૧૯ ની ગાઈડલાઈન જેવી કે, સોશ્યલ ડીસ્ટન્સીંગ, ટેમ્પ્રેચર માપણી, માસ્કનું નિયમ પ્રમાણે વપરાશ કરાવતા હોય એવા એકમોને કરફ્યુદરમ્યાન ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઈએ.
  5. શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં અથવા જે વિસ્તારમાં લેબર કોલોની આવેલી છે એ વિસ્તારમાં જીવન જરૂરીયાતનો સ્ટોક ઘટી ન પડે તેની તકેદારી રાખવી જોઈએ અને સતત મોનીટરિંગ થવું જોઈએ.

Most Popular

To Top