બંગાળની ચૂંટણીનું ઘમાસાણ માત્ર બંગાળમાં જ નહીં બલકે દેશભરના અખબારોના પાનાંઓ પર પણ જોવા મળી રહ્યું છે. 27 માર્ચથી બંગાળની ચૂંટણી શરૂ થઈ જશે અને આગામી એક મહિના સુધી આઠ ફેઝમાં ચૂંટણી થવાની છે. વર્તમાન બંગાળની સરકાર તૃણમૂલ કોંગ્રેસની છે અને તેના સર્વેસર્વા મમતા બેનરજી છે.
બંગાળ દેશમાં મુખ્ય કહેવાતા પક્ષો કોંગ્રેસ-ભાજપથી મુક્ત રહ્યું છે. છેલ્લા એક દાયકાથી મમતા બેનરજીનો પક્ષ બંગાળમાં શાસક પક્ષ રહ્યો છે, જ્યારે તે અગાઉ ત્રણ દાયકા સુધી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સીસ્ટ)નું શાસન બંગાળમાં એકધારું રહ્યું. ટાગોર અને સ્વામી વિવેકાનંદ સહિત બૌદ્ધિકોની ભૂમિ તરીકે ઓળખાતાં બંગાળમાં રાજકીય સ્થિરતા હોવા છતાં દેશના અન્ય ભાગોની જેમ ત્યાં પ્રગતિ દેખાતી નથી. મહદંશે ત્યાંની ચૂંટણી લોહિયાળ બને છે. આ વખતે બંગાળની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત થયેલાં પક્ષો સિવાય ભાજપે પણ જોરશોરથી તેમાં એન્ટ્રી મેળવી છે. અને સરહદી રાજ્ય હોવાથી બંગાળમાં પણ રાષ્ટ્રવાદનો મુદ્દો અવારનવાર ચર્ચાય છે. રાજકીય વેરવૃત્તિના કારણે રાષ્ટ્રવાદને લઈને આજે ધોરણસરની ચર્ચા થતી નથી. ઊલટું એમ પણ કહી શકાય કે રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ આજના સમયમાં બદલાઈ ગઈ છે. પરંતુ બંગાળની ભૂમિના રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદ વિશે એક પુસ્તક લખી ચૂક્યા છે. આ વિભાવના મૂળે તેમણે અંગ્રેજીમાં સમજાવી છે અને તેનો ગુજરાતી અનુવાદ ત્રિદીપ સુહૃદ દ્વારા કરવામાં આવ્યો છે. બંગાળની ચૂંટણી ટાણે ટાગોરના આ ‘રાષ્ટ્રવાદ’નો ધડો પૂરા દેશે લેવો રહ્યો.
આ પુસ્તકમાં હિંદના રાષ્ટ્રવાદ સાથે ટાગોર દ્વારા જાપાન અને પશ્ચિમના રાષ્ટ્રવાદની પણ વાત કરી છે. મૂળે આ પુસ્તક તૈયાર થયું છે 1916માં જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન ટાગોરે આપેલાં પ્રવચનો પરથી. અંદાજે એક સદી અગાઉના ટાગોરના વિચાર તત્કાલિનની સમય-પરિસ્થિતિને અનુલક્ષીને બયાન થયા છે. તેમ છતાં તેમાંથી નવી બાબતો આજે પણ ખોળી શકાય, તેમાં તાજગી આજે પણ અનુભવી શકાય. જાપાનના રાષ્ટ્રવાદ સંદર્ભે પૂર્વ અને પશ્ચિમના દેશોની વાત કરતાં તેઓ બોલ્યા છે કે : “અમુક ચીજોમાં વિલંબ ન પોસાય. યુદ્ધ કરવું હોય અથવા બજારમાં મોકાની જગ્યા મેળવવી હોય તો તમારે ધસવું, દોડવું પડે, કૂચ કરવી પડે. પડખે રહેલી તકોને ઝડપી લેવા માટે તમારે તણાવું પડશે અને સતત સજાગ રહેવું પડશે. પણ, જીવન સાથે આંખ મીંચામણાં ન રમે તેવાં મૂલ્યો પણ છે; તે ધીમે ધીમે બીજમાંથી ફૂલ અને ફૂલમાંથી ફળમાં વૃદ્ધિ પામે છે. તેમને પરિપક્વ થવા માટે અનંત આકાશ અને સ્વર્ગીય પ્રકાશની આવશ્યકતા છે. તેમનાં ફળ અનેક વર્ષોની નિષ્કાળજી અને અપમાન સહી શકે છે. નાશવંતની પાછળની દોટમાં પશ્ચિમના શ્વાસ ભરાઈ જાય અને થંભી જાય ત્યાં સુધી પૂર્વ – જેના હૃદયમાં યુગોનો પ્રકાશ અને તારણો નીરવ સંગ્રહાયેલાં છે – તેના આદર્શ સહિત ધીરજ ધરવા સક્ષમ છે. યુરપ(યુરોપ) પોતાના ખેતરમાં અનાજ લણતા ખેડુ તરફ નજર નાંખે છે ત્યારે પોતાની ગતિના મદમાં ખેડુને ધીમો અને સતત પાછળ પડી રહેલો ગણવા લાગે છે. પણ ઝડપનો અંત હોય છે, ધ્યેય નિરર્થક બને છે અને ક્ષુધિત હૃદય ખોરાક માટે આક્રંદ કરે છે, અંતે તપતા સૂરજમાં અનાજ લણતા દીન ખેડૂત પાસે આવવું પડે છે. ”
યુરોપ કરતાં પૂર્વ કેવું ચડિયાતું છે તે ટાગોરની ઉપરની વાતમાં દર્શાય છે. આ પછી તેઓ પશ્ચિમમાં રાષ્ટ્રવાદના વક્તવ્યમાં જે કહે છે; તે તેમના શબ્દોમાં : “રાષ્ટ્રનું શાસન અંગ્રેજ શાસન કે અન્ય કોઈ પ્રજાનું શાસન નથી, એ વ્યવહારું વિજ્ઞાન છે અને આથી તેનો ઉપયોગ જ્યાં પણ થાય ત્યાં તેના નિયમો મહદંશે સરખા રહે છે. આ એક દ્રવયંત્ર જેવું છે, તેનું દબાણ નિરપેક્ષ હોવાના કારણે અસરકારક છે. જુદાં યંત્રોમાં શક્તિની માત્રા જુદી હોઈ શકે. હાથથી ચાલતાં કેટલાંક યંત્રોમાં દબાણમાં થોડી લવચિકતા પણ હોય. પરંતુ, સત્વ અને કાર્યપદ્ધતિમાં આ તફાવત નહિવત્ છે. અમારા ઉપર શાસન કરતી સરકાર ફ્રેન્ચ, વલંદા કે પોર્ટુગીઝ લોકોની પણ હોઈ શકત, પણ તેનાં મૂળ તત્ત્વો તો આજે છે તે જ રહ્યાં હોત. કદાચ, કોઈ, કિસ્સામાં સંગઠન આટલી હદે સર્વવ્યાપી અને સમર્થ ન હોત અને જેથી તેણે નોતરેલા વિનાશમાં ક્યાંક માનવહૃદય બચી રહ્યું હોત અને તે અમારા ધબકતા હૃદયના સાદ કદાચ સાંભળી શકત.”
રાષ્ટ્રવાદનું માળખું કેવી રીતે જોખમી છે તે પણ ટાગોર કહે છે; વક્તવ્યમાં તેની નોંધ લઈને કહે છે : “હકીકત તો એ છે કે સંઘર્ષ અને આક્રમણનું તત્ત્વ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદના મૂળમાં તથા હાર્દમાં છે; તેના પાયા સામાજિક સહકારની ભાવનામાં નથી. પશ્ચિમે સત્તાનું સર્વાંગ સંપૂર્ણ માળખું વિકસાવ્યું છે, આધ્યાત્મિક આદર્શનું નહીં. તે શિકારી પશુના ટોળા જેવું છે, તેને શિકાર કર્યે જ જંપ વળે. પોતાના શિકાર ક્ષેત્રને હરિયાળા ખેતરમાં બદલાતું જોવાનું જોમ તેનામાં નથી. હકીકત તો એ છે કે, આ રાષ્ટ્રો પોતપોતાના શિકારી સંકજામાં સપડાયેલા લોકોની સંખ્યા વધારવા અને પોતાની મૃગયા માટે આરક્ષિત રાખેલા જંગલોનો વિસ્તાર કરવા આપસમાં સંઘર્ષ કરી રહ્યા છે. આથી જે પ્રજા રાષ્ટ્રમાં સંગઠિત થઈ નથી તેવી પ્રજાઓમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહ રોકવા માટે પાશ્ચાત્ય રાષ્ટ્ર બંધારાનું કામ કરે છે. કારણ, આ સભ્યતા સત્તાની સંસ્કૃતિ છે અને આથી તેમાં ઇજારાશાહી છે, જે લોકોને શોષણ માટે નિર્ધારીત કરાયા છે તેમના માટે સત્તાના સ્રોતને ખુલ્લો મૂકવા માટે આ રાષ્ટ્રો સ્વાભાવિકપણે રાજી નથી.”
રવિન્દ્રનાથ ટાગોરને મહદંશે કવિની જ ઓળખ જ સર્વવ્યાપી છે, પણ અહીંયા તેઓ રાષ્ટ્રવાદની જે પૂરી વાત રજૂ કરી છે, તે આજના સમયમાં બંધબેસતી લાગે છે. ટોળા, શિકારસ સંખ્યા વધારવી જેવા શબ્દોને આજે આસપાસના શાસનમાં જોઈ શકાય છે. આગળ તેઓ લખે છે : “તમો જોઈ શકતાં નથી કે રાષ્ટ્રની હયાતીની શરૂઆતથી જ તેના ભયથી ગ્રસ્ત પ્રજાઓનાં ગાત્રો ઢીલાં પડી ગયાં છે? જ્યાં પણ અંધારો ખૂણો હોય ત્યાં તેને ગુપ્ત દુષ્ટતાની આશંકા રહે છે, અને દૃષ્ટિવિહોણી વ્યક્તિઓ પોતાની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તે વિશે સતત સાશંક રહે છે. દરેક પગચાપ, આસપાસનો એક એક સળવળાટ ભયની કંપારી ફેલાવે છે. માનવ સ્વભાવમાં જે કાંઈ નીચ છે તેનો જનક આ ભય છે. તે આપણને અમાનવીય તત્ત્વોની હાજરી વિશે ખુલ્લેઆમ લજ્જાહીન અને ધૃષ્ટ બનાવે છે. સફેદ જૂઠાણાં આત્મશ્લાઘાનું કારણ બને છે. ગંભીર પ્રતિજ્ઞા ફારસ બને છે, કારણ કે તેનું ગાંભીર્ય હાસ્યાસ્પદ છે. સત્તા અને ઐશ્વર્યની નિશાન-પતાકાઓ, સ્તુતિગાનો, દેવળમાં ઈશ્વરદ્રોહી પ્રાર્થનાઓ અને રાષ્ટ્રભક્તિના બણગાં ફૂંકતું સાહિત્ય આ સર્વ એ તથ્ય છુપાવી ન શકે કે રાષ્ટ્ર, ખુદ રાષ્ટ્ર માટે સૌથી મોટું અનિષ્ટ છે; તેણે રાષ્ટ્ર સામે તકેદારી રાખવાની છે અને દુનિયામાં તેના સહોદરનો જન્મ નવા વિનાશના ભયથી મનને ગ્રસ્ત કરે છે. રાષ્ટ્રની એકમાત્ર ઇચ્છા બાકીના વિશ્વની નબળાઈને કચડવાની છે. અંતે સ્વાદિષ્ટ અને પોષકવ્યંજન બને તે કારણે કેટલાક પરોપજીવી જંતુઓને તેમના લગભગ મૃતપ્રાય શિકારના શરીરમાં ઉછેરવામાં આવે છે.”
સત્તાની આગેકૂચમાં જ્યારે કોઈ ઝડપથી આગળ વધે છે ત્યારે તેનું પરિણામ શું આવી શકે તે પ્રત્યે પણ ટાગોર નિર્દેશ કરે છે. તેઓ કહે છે : “સત્તાની આગેકૂચ ઉત્તરોત્તર ઝડપી બને છે. તે માણસથી વિખૂટી હોવાના કારણે સમગ્ર માનવજાતને પાછળ છોડી દે છે. નૈતિક માનવ પાછળ રહે છે કારણ તેનો નાતો સમગ્ર વાસ્તવિકતા સાથે હોય છે કેવળ પદાર્થોના નિરપેક્ષ અને અમૂર્ત સિદ્ધાંત સાથે નહીં.
આથી જેની માનસિક અને ભૌતિક તાકા નૈતિક શક્તિ કરતાં ઘણી વધી ગઈ છે તેવો માણસ, જેની ડોક એકાએક તેના ધડથી અનેક ગાઉ આગળ વધી ગઈ છે તેવા અષ્ટાવક્ર જિરાફ જેવો છે તેના માટે સામાન્ય વ્યવહાર દુષ્કર બન્યો છે. આ લાલચું માથું અને તેના અણિયાળા દાંત દુનિયામાં ટોચના, કુમળાં પાનનો આહાર કરે છે પણ તેનું પોષકતત્ત્વ પાચક અવયવોને ઘણું મોડું પહોંચે છે આથી તેના હૃદયમાં રુધિરનો અભાવ વરતાય છે.”
આપણી આસપાસ અષ્ટાવક્ર જિરાફ ન વિકસે તે જવાબદારી જાગ્રત નાગરિકોની છે.