હુમાયુ કબીરના ‘સ્ટિંગ’ બાદ ઓવૈસીની AIMIM એ ગઠબંધન તોડ્યું, હવે એકલા હાથે લડશે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ હુમાયુ કબીરની પાર્ટી સાથેના છેડા ફાડી નાખ્યા છે. આ નિર્ણય પાછળ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલો એક વીડિયો જવાબદાર હોવાનું કહેવાય છે, જેમાં હુમાયુ કબીર ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ? ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં હુમાયુ કબીર પીએમઓ (PMO) ના સંપર્કમાં હોવાની અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમજ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી સાથે વ્યૂહાત્મક વાટાઘાટો કરી રહ્યા હોવાની વાતો કરતા સંભળાય છે. વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ગઠબંધન પાછળનો હેતુ ટીએમસીના મુસ્લિમ મતોમાં વિભાજન કરી પરોક્ષ રીતે ભાજપને ફાયદો પહોંચાડવાનો હતો.
AIMIM એ કેમ લીધો આ નિર્ણય? : AIMIM એ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “હુમાયુ કબીરના ખુલાસાઓએ બતાવ્યું છે કે બંગાળના મુસ્લિમો કેટલા અસુરક્ષિત છે. AIMIM એવા કોઈ નિવેદનો કે વ્યક્તિ સાથે જોડાઈ શકે નહીં જ્યાં મુસ્લિમોની અખંડિતતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવતો હોય. તેથી તાત્કાલિક અસરથી કબીરની પાર્ટી સાથેનું ગઠબંધન પાછું ખેંચીએ છીએ.” જો કે ઓવૈસીએ પશ્ચિમ બંગાળમાં કબીર સાથે યોજાનારી તેમની તમામ પ્રચાર રેલીઓ પણ રદ કરી દીધી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે બંગાળમાં કોઈની સાથે ગઠબંધન કર્યા વગર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
હુમાયુ કબીરનો બચાવ : બીજી તરફ, હુમાયુ કબીરે આ વીડિયોને નકલી અને ‘AI-જનરેટેડ’ (કૃત્રિમ બુદ્ધિ દ્વારા બનાવાયેલ) ગણાવ્યો છે. તેમણે ટીએમસી પર તેમની છબી ખરડવાનો આરોપ લગાવ્યો છે અને બદનક્ષીનો દાવો કરવાની ચીમકી પણ આપી છે.
ચૂંટણી પર અસર : બંગાળમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. AIMIM અને હુમાયુ કબીરનું ગઠબંધન મમતા બેનર્જીની વોટ બેંકમાં ગાબડું પાડી શકે તેમ હતું, પરંતુ આ વિવાદ બાદ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ ફરી એકવાર ટીએમસી તરફ ઝૂકે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળની આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર થશે.