પાછલા અંકમાં રક્તદાન વિશેની 1-2 માન્યતાઓ વિશે જાણ્યું અને તાજેતરના બંને અંકોમાં આજનો આ રક્તદાન અંગેનો ત્રીજો અંક કદાચ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય તો નવાઈ નહીં. ફક્ત રક્તદાન જ નહીં, આપણે સૌ મેડિકલ ક્ષેત્રે ઘણી બધી બાબતોમાં અંધશ્રદ્ધા અને માન્યતા નીચે જીવીએ છીએ. જ્યાં સુધી આપણે હકીકતો જાણીશું નહીં કે એ અંગે સ્પષ્ટતા ના મેળવીએ ત્યાં સુધી આ માન્યતા ચાલતી જ રહેવાની. સ્પષ્ટતા બાદ પણ તમારા મન સાથે તમારે ડીલ કરવાનું છે કે ના, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેતે વાત/ માન્યતા પાયાવિહોણી છે અને હકીકતે તો એ આમ છે અને જો તમે આ સમજો છો તો એ મહત્ત્વનું છે કે અન્યને પણ એ વિશે માહિતગાર કરો. તો આજે ટુ ધ પોઈન્ટ, રક્તદાન અંગેની માન્યતા વિશે થોડું રેપિડ ફાયર કરીએ!!
1 શાકાહારીઓ રક્તદાન કરી શકતા નથી.
હકીકત: સારી માત્રામાં આયર્ન ધરાવતા સ્વસ્થ શાકાહારીઓ હંમેશાં રક્તદાન કરી શકે છે. શરીર દ્વારા દાન થયેલા રક્તની પૂર્તિ સામાન્ય રીતે 1 મહિનામાં થઈ જાય છે.
2. માંસાહારી લોકો માંસ ખાતા હોવાથી તેઓ વારંવાર રક્તદાન કરી શકે છે.
હકીકત: ના, આહારને ધ્યાનમાં લીધા વિના, વ્યક્તિ 120 દિવસમાં (3 મહિનામાં) એક વાર રક્તદાન કરી શકે છે. એક સ્વસ્થ વ્યક્તિ વર્ષમાં 4 વખત રક્તદાન કરી શકે છે.
3. રક્તદાન HIV અને અન્ય ચેપનું જોખમ વધારે છે.
હકીકત: ના, બિલકુલ સાચું નથી કારણ કે રક્તદાન દરમિયાન સ્ટરિલાઇઝેશન એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. ડૉકટરો અને સ્ટાફ હંમેશાં દરેક દાન માટે જંતુરહિત, નવી સોયનો ઉપયોગ કરવાની ખાતરી કરે છે. બધી જૂની સોય ત્વરિત કાઢી નાખવામાં આવે છે.
4. મેં ટેટૂ કરાવ્યું છે, તેથી હું લોહી આપી નહીં શકું.
હકીકત: ના, એવું નથી. બસ તમારે થોડી રાહ જોવી પડે. જે 1 વર્ષ છે. હા અને બીજી હકીકત છે કે બહારના દેશોમાં ચોક્કસ રાજ્યમાં સરકાર દ્વારા પ્રમાણિત જગ્યાએ તમે ટેટૂ કરાવ્યું છે તો તમને કોઈ રાહ જોવી નથી પડતી, તમે ગમે ત્યારે રક્તદાન કરી શકો છો.
5. રક્તદાન દરમિયાન દુખાવો થાય છે.
હકીકત: ના, આ પીડાદાયક પ્રક્રિયા નથી. રક્તદાન કરનારને એક સોય ચૂભવાનો અનુભવ અને અહેસાસ થાય છે અને આ સોય જ્યાં લગાવેલી હોય એ ભાગ થોડા કલાક કે વધુમાં વધુ 1 દિવસમાં સાજો થઈ જાય છે.
6. રક્તદાન કરવાથી રોગપ્રતિકારકશક્તિ નબળી પડી શકે છે.
હકીકત: ના, રક્તદાન કોઇ પણ સંજોગોમાં રોગપ્રતિકારકશક્તિમાં દખલ કરશે નહીં. લાલ રક્ત કોશિકાઓ થોડા દિવસોમાં તો સફેદ રક્ત કોશિકાઓ થોડા અઠવાડિયામાં ફરી પાછા બની જાય છે.
7. મને હાઈ બ્લડ પ્રેશર છે, તેથી રક્તદાન કરવું મારા માટે જોખમી છે.
હકીકત: રક્તદાન સમયે તમારું બ્લડ પ્રેશર 180 સિસ્ટોલિક (ઉપરનું) અને 100 ડાયસ્ટોલિક (નીચેનું) ની નીચે હોય ત્યાં સુધી તમે રક્તદાન કરી શકો છો. જ્યારે તમે રક્તદાન માટે આવો છો ત્યારે દાન કરતા પહેલાં સ્ટાફ મેમ્બર તમારું બ્લડ પ્રેશર ચોક્ક્સ તપાસશે. હાઈ બ્લડ પ્રેશર માટે દવા લેતા હો તો પણ તમે રક્તદાન કરી શકો છો, દવા લો તો તેથી તમે રક્તદાન માટે અયોગ્ય નથી બની જતા.
8. રક્તદાન કરવા માટે મારી પાસે સ્નાયુબદ્ધ, મસ્ક્યુલર શરીર હોવું જોઈએ.
હકીકત: ના, રક્તદાન કરવા માટે વ્યક્તિનું શરીર સારી રીતે બંધાયેલું સ્નાયુબદ્ધ (Muscular) જ હોવું જરૂરી નથી. સારા સામાન્ય સ્વાસ્થ્ય સાથે પુરુષો અને સ્ત્રીઓમાં નક્કી કરેલ નિયત પ્રમાણમાં હિમોગ્લોબિન હોવું જોઈએ.
9. રક્તદાન કર્યા પછી જોગિંગ, રમતગમત અને અન્ય શારીરિક કસરતો ટાળવી જોઈએ.
હકીકત: ના, રક્તદાન વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતામાં દખલ કરતું નથી. રક્તદાતા 15-20 મિનિટ માટે પૂરતો આરામ કર્યા પછી જો આરામદાયક અનુભવે તો તે જ દિવસે તેની બધી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે છે.
10. રક્તદાન કરવામાં લાંબો સમય લાગે છે
હકીકત: શરૂઆતથી સમાપ્તિ સુધીની આખી પ્રક્રિયામાં માત્ર એક કલાકનો સમય લાગે છે અને તેમાં ત્રણ સરળ પગલાં શામેલ છે: રજિસ્ટ્રેશન, આરોગ્ય તપાસ અને રક્તદાન. રજિસ્ટ્રેશન પછી તમારા સ્વાસ્થ્ય અને મુસાફરીના ઇતિહાસ વિશેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા પછી સ્ટાફ સભ્ય તમારું તાપમાન, પલ્સ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિન તપાસશે. પછી રક્તદાન કે જેમાં ફક્ત 8થી 10 મિનિટનો સમય લાગે છે, તે પછી તમને પીણાં અને નાસ્તા સાથે થોડી મિનિટો માટે આરામ કરવા માટે કહેવાશે અને ત્યાર બાદ તમે જઈ શકો છો.
11. કેટલીક બ્લડ બેંકો દ્વારા વધુ પડતું લોહી લેવામાં આવે છે જે દાતા માટે હાનિકારક છે.
હકીકત: રક્તનું નિશ્ચિત પ્રમાણ એટલે કે 350ml-380ml રક્તદાતા પાસેથી પ્રતિ સત્ર લેવામાં આવે છે. આ પ્રમાણ એક બ્લડ બેંકથી બીજી બ્લડ બેંકમાં જાઓ તો પણ બદલાતું નથી.
12. મારી પાસે કોઈ દુર્લભ / રેર બ્લડ ગ્રુપ નથી, તેથી મારા રક્તદાનની ખરેખર જરૂર નથી.
હકીકત: ઓ નેગેટિવ (O – ve) બ્લડ એ સાર્વત્રિક / યુનિવર્સલ રક્ત પ્રકાર છે. જ્યારે લોહીનો પ્રકાર અજાણ્યો હોય (ઉદાહરણ તરીકે, ટ્રોમાની પરિસ્થિતિમાં) ત્યારે કટોકટીની સ્થિતિમાં ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગમાં લેવાતો તે સૌથી સામાન્ય રક્તપ્રકાર છે. O – ve વ્યકિત યુનિવર્સલ ડોનર છે, તેઓ સૌ કોઈને રક્ત આપી શકે છે પણ એનો મતલબ એ બિલકુલ નથી કે અન્ય પ્રકાર ધરાવતા વ્યકિતનું રક્ત ઉપયોગી નથી, એ જેતે પ્રકારમાં ચોક્કસ રીતે ઉપયોગી નીવડે છે.
13. હું દાન કરવા માટે ખૂબ જ વૃદ્ધ કે ખૂબ જ યુવાન છું.
હકીકત: રક્તદાન કરવા માટે કોઈ મહત્તમ વયમર્યાદા નથી. તમે 17 વર્ષની ઉંમરથી રક્તદાન કરી શકો છો અને પછી જ્યાં સુધી તમે રક્તદાન કરવાની પાત્રતા ધરાવો છો ત્યાં સુધી તમારા બાકીના સમગ્ર જીવન દરમિયાન રક્તદાન કરી શકો છો.
14. હું દવા લઈ રહ્યો છું, તેથી હું લોહી આપી નહીં શકું.
હકીકત: લગભગ મોટા ભાગના તમામ કિસ્સાઓમાં, દવાઓ તમને રક્તદાતા તરીકે અયોગ્ય ઠેરવતી નથી. જો આરોગ્યની દૃષ્ટિએ સ્થિતિ નિયંત્રણમાં છે અને તમે સ્વસ્થ છો, તો સામાન્ય રીતે તમે રક્તદાન કરી શકો છો. જો કે, આંગળીના વેઢે ગણી શકાય એટલી અમુક દવાઓ છે જેમાં છેલ્લો ડોઝ લીધા પછી દાન કરવા માટે રાહ જોવાનો સમયગાળો સામેલ હોઈ શકે છે. તેથી એ અંગે જેતે તબીબ જોડે ચર્ચા કરવી સલાહભર્યું.
15. દાન કરેલું લોહી નફા માટે પૈસા થકી વેચાય છે.
હકીકત: રક્તની ખરીદી અને વેચાણ બંનેની મંજૂરી નથી. આ ગેરકાયદેસર છે અને પ્રતિબંધિત છે, આવું થતું નથી.
16. ધૂમ્રપાન કે મદિરાપાન (smoking and drinking) કરતા હોવ તો રક્તદાન ના કરી શકાય.
હકીકત: ના, એવું નથી. રક્તદાન કરવાના ફક્ત 1 દિવસ / 24 કલાક પહેલાં ધૂમ્રપાન કે મદિરાપાન ના કરેલું હોવું જોઈએ અને તમે રક્તદાન કરવા માટે યોગ્ય છો.
ટૂંકમાં, રક્તદાન નહીં કરવાની છટકબારી ના હોવી જોઈએ, અનલેસ એન્ડ અનટીલ તમારી પાસે ખરેખર યોગ્ય પાત્રતા નથી અને તમે આરોગ્યના દૃષ્ટિકોણથી આ માપદંડોમાં નથી આવતા. આશા છે તમે રક્તદાન અંગે હવે પછી સમજણપૂર્વક નિર્ણય લેશો.
ઇત્તેફાક્:
आप है ईश्वर की अमूल्य कृति,
रक्तदान करने की सदैव रखिये प्रवृत्ति…!
– अज्ञात